તાજેતરમાં મેટ ગાલા લાઈમલાઈટમાં હતું અને બોલિવૂડની હિરોઈનોએ અહીં પોતાનો ગ્લેમર અંદાજ બતાવ્યો હતો. હવે મેટ ગાલા વિશેની ચર્ચાઓ થોડી ઓછી છે ને કાન્સ 2025 ચર્ચામાં આવી ગયું છે. બોલિવૂડ સુંદરીઓ કાન્સ 2025ના રેડ કાર્પેટમાં ભાગ લેવા માટે અધીરી થઈ રહી છે. શર્મિલા ટાગોરથી લઈને જાહ્નવી કપૂર સુધી, દરેક વ્યક્તિ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 78મા સંસ્કરણમાં સામેલ થવા તૈયાર છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આજથી એટલે કે 13 મેથી શરૂ થઈ ગયો છે.
આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ઉત્સવ 24 મે સુધી ચાલુ રહેશે. તેના ઉદ્ઘાટન સમારોહમાં હોલીવુડ સ્ટાર રોબર્ટ ડી નીરોનું સન્માન કરવામાં આવશે. આપણે જોઈએ આ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા કયા બૉલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે.
આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ 2025ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ અભિનેત્રીએ અગાઉ પ્રતિષ્ઠિત મેટ ગાલાના મંચ પર પોતાની અમીટ છાપ છોડી હતી. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ પુષ્ટિ આપી કે તે 2025 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે, જે તેના માટે પ્રથમ વખત હશે.
ઐશ્વર્યા રાય: કાન ફેસ્ટિવલમાં નિયમિતપણે હાજરી આપતી ઐશ્વર્યા રાયને ફિલ્મ ફેસ્ટિવલની ‘ક્વીન’ કહેવામાં આવે છે. દેવદાસ સ્ટાર 2002 માં તેની શરૂઆતથી દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બધાનું ધ્યાન ખેંચે છે. તેના આઉટફિટથી લઈને તેની જોખમી ફેશન પસંદગીઓ સુધી, અભિનેત્રી દર વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં ચર્ચામાં રહે છે અને આશા છે કે 2025 પણ તેનાથી અલગ નહીં હોય.
જાહ્નવી કપૂર: જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કરી શકે છે. આ કાર્યક્રમમાં તેમની ફિલ્મ હોમબાઉન્ડનું વૈશ્વિક પ્રીમિયર થવાની પુષ્ટિ થઈ છે. એવી અપેક્ષા છે કે ફિલ્મના કલાકારો અને ટીમના અન્ય સભ્યો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેશે. જોકે, બંને કલાકારોએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
કિયારા અડવાણી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવવા જઈ રહી છે. મેટ ગાલામાં ડેબ્યૂ કર્યાના એક અઠવાડિયા પછી, કિયારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપવા માટે તૈયાર છે. 2024 માં, અભિનેત્રીએ કાન્સના કિનારે આયોજિત રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના વુમન ઇન સિનેમા ગાલામાં હાજરી આપી હતી. જોકે, આ વખતે એવું લાગે છે કે તે ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરી શકે છે.
પાયલ કાપડિયા: પાયલ કાપડિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં તેમની દિગ્દર્શિત ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઈટ માટે એવોર્ડ જીત્યો અને ગ્રાન્ડ પ્રિકસ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.દિગ્દર્શકે હવે ફરી એકવાર હેલ બેરી, આલ્બા રોહરવાચર, લીલા સ્લિમાની, જેરેમી સ્ટ્રોંગ, કાર્લોસ રેગાડાસ, ડીયુડો હમાદી, હોંગ સાંગસુ અને જુલિયટ બિનોચે સાથે મુખ્ય જ્યુરીના સભ્ય બનીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
શર્મિલા ટાગોર: આ પીઢ અભિનેત્રી પણ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેશે. શર્મિલા ટાગોર સત્યજીત રેની ૧૯૭૦ની ફિલ્મ અરન્યેર દિન રાતરી (ડે એન્ડ નાઈટ ઇન ધ ફોરેસ્ટ) ના પુનઃસ્થાપિત સંસ્કરણના પ્રીમિયરમાં હાજરી આપશે. આ ફિલ્મ કાન્સ ક્લાસિક્સનો ભાગ છે. શર્મિલા 2009 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્ય તરીકે હાજરી આપી ચૂકી છે.
