રશિયા પાસેથી નહીં, અમારી પાસેથી ઓઇલ ખરીદોઃ USના ઊર્જા મંત્રી

નવી દિલ્હીઃ અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઈટે ભારતની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું હતું કે વોશિંગ્ટન નવી દિલ્હીના સાથે ઊર્જા સહકાર વધારવા ઉત્સુક છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકા ભારતને શુલ્ક લગાવીને દંડિત કરવા માગતું નથી, પરંતુ શાંતિ ઈચ્છે છે.  આ પ્રક્રિયામાં અમેરિકાને આશા છે કે ભારત રશિયન તેલની ખરીદી બંધ કરશે, કારણ કે અમેરિકા પાસે ઓઇલ પૂરું પાડવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

વોશિંગ્ટન ભારત સાથે ઊર્જા સહકાર ઉત્સુક

તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બે દેશો વચ્ચેના સહકારના ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો, જેમાં પ્રાકૃતિક ગેસ, કોલસો, પરમાણુ ઊર્જા, સ્વચ્છ રસોઈ માટેનું ઈંધણ અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સામેલ છે. હું ભારતનો બહુ મોટો પ્રશંસક છું. અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અમે ભારત સાથે વધુ ઊર્જા વેપાર, વધુ સંવાદ અને પરસ્પર સહકારની અપેક્ષા રાખીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મારા પદ સંભાળવાના શરૂઆતના સમયમાં ઘણો ભાગ ભારત સાથે સંકળાયેલો રહ્યો, જે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, અમેરિકાનું ઉત્તમ મિત્ર છે અને ઝડપથી વધતા અર્થતંત્ર ધરાવતો દેશ છે. આ ખરેખર એક ગતિશીલ સમાજ છે, જેના ઊર્જા માટેની માગ ઝડપથી વધી રહી છે કારણ કે લોકો પોતાની સમૃદ્ધિ અને તકો વધારી રહ્યા છે.

ભારત અમારું ઓઇલ ખરીદે

તેમણે કહ્યું હતું કે નવી દિલ્હી આવતાં વર્ષોમાં કેટલાંક ઊર્જા ઉત્પાદનો પર વોશિંગ્ટન સાથે સહકાર વિસ્તરવાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું  કે વિશ્વમાં ઘણા તેલ નિકાસકારો છે. ભારતને રશિયાનું તેલ ખરીદવાની જરૂર નથી. ભારત રશિયાનું તેલ ખરીદે છે કારણ કે તે સસ્તું છે. કોઈ પણ રશિયાનું તેલ ખરીદવા માગતું નથી, તેમને તે ડિસ્કાઉન્ટ પર વેચવું પડે છે. ભારતે સસ્તુ તેલ ખરીદવા માટે આ સમજૂતી કરી છે, પરંતુ બીજી તરફ જુઓ તો ભારત એ કામ કરીને પૈસા એવા લોકો સુધી પહોંચાડી રહ્યું છે જે દર અઠવાડિયે હજારો લોકોની હત્યા કરે છે.