મુંબઈઃ જીએસટી સત્તાવાળાઓ તરફથી રૂ. 400 કરોડની રકમની કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હોવાના સમાચારને પગલે શેરબજારમાં ઝોમેટો કંપનીનો શેર નીચા માથે પછડાયો હતો. આ નોટિસ ડિલિવરી ચાર્જિસની ચૂકવણી ન કરાઈ હોવા બદલ મોકલવામાં આવી છે. આને કારણે ફૂડ ડિલિવરી કંપની સત્તાવાળાઓના સકંજામાં આવી છે.
ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) સંસ્થાએ ગયા મહિને ઝોમેટો અને તેની હરીફ કંપની સ્વિગી, બંનેને પેન્ડિંગ જીએસટી ચૂકવણી મામલે ડીમાન્ડ નોટિસ મોકલી હતી. ઝોમેટોએ જીએસટી પેટે રૂ. 400 કરોડના ચૂકવવાન નીકળે છે. સ્વિગીને રૂ. 350 કરોડ ચૂકવવાનું જણાવાયું છે.
ઝોમેટોએ આ નોટિસના જવાબમાં એક નિવેદનમાં કહ્યું છે કે ડિલિવરી ચાર્જિસ પર પોતે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવાને બંધાયેલી નથી. કારણ કે ડિલિવરી ચાર્જ ડિલિવરી પાર્ટનર્સ વતી વસૂલ કરવામાં આવે છે.