નવી દિલ્હી: સામાન્ય રીતે હવે ઘણાખરા મહત્વના કામકાજ માટે પેનકાર્ડ જરૂરી બની ગયું છે. જેમકે, ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું હોય, બેંક ખાતુ ખોલાવવું હોય, અથવા તો પછી કોઈ નાણાકીય લેવડદેવડ કરવી હોય દરેક જગ્યાએ પેન કાર્ડની જરૂર પડે છે. અત્યાર સુધી તમે નવુ પેન કાર્ડ કઢાવવા માટે ફોર્મ ભરતા હતા અને તેના 15 દિવસ પછી તમને પેન કાર્ડ મળતું હતું. પણ હવે તમે આવકવેરા વિભાગ પાસેથી તાત્કાલિક ઈ પેન મેળવી શકો છો. આ ડિજિટલ સ્વરૂપે સાઈન કરેલુ પેન કાર્ડ હોય છે જેને આવકવેરા વિભાગ દ્વારા ઈશ્યૂ કરવામાં આવે છે. આવેદનકર્તાને ઈ પેન મેળવવા માટે માત્ર આધાર નંબરની જરૂર પડે છે.
કેવી રીતે કરશો અરજી ?
અરજદારે ઈ પેન મેળવવા માટે https://www.pan.utiitsl.com/PAN/newA.do લિન્ક પર જવાનું રહેશે. સૌથી પહેલા નવા પેન કાર્ડ માટે (ફોર્મ 49 એ) વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ નવી લિન્ક ખુલશે જેમાં ડિજિટલ મોડની પસંદગી કરવાની રહેશે. ડિજિટલ મોડ હેઠળ અરજદારે ફિઝિકલ કોપી જમા કરવાની જરૂર રહેતી નથી. અહીં આધાર આધારિત ઈ હસ્તાક્ષર અથવા ડિજિટલ હસ્તાક્ષરનો ઉપયોગ કરીને આવેદન પત્ર પર હસ્તાક્ષર કરી શકાશે. તમારો આધાર નંબર તમારા મોબાઈલ નંબર સાથે અપડેટ હોવો જરૂરી છે. ઈ કેવાઈસી માટે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવે છે.
ઈ-પેનની અરજી કરતી વખતે તમારે જન્મ તારીખ કે રહેઠાણના પુરાવા જેવા કોઈ પણ સહાયક દસ્તાવેજ આપવાની જરૂર નથી. મહત્વનું છે કે, આધાર ડેટાબેઝમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરીને ઈ પેન કાઢવામાં આવે છે. જોકે, એક હસ્તાક્ષરની કોપી અને તાજેતરનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ઈ પેન મેળવવા માટે આધાર ખુબજ જરૂરી છે.
જો તમારે ઈ-પેન ની સાથે સાથે એક ફિઝિકલ પેન કાર્ડની પણ જરૂરીયાત હોય તો, એના માટે તમારે 107 રૂપિયા ફી ભરવી પડશે, અને માત્ર ઈ પેન જોઈતું હોય તો 66 રૂપિયા ફી ભરવાની રહેશે.