છેલ્લા દાયકામાં ખેડૂતોની માંડી વાળેલી લોન છે 4.7 લાખ કરોડ

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં નવી સરકારે ખેડૂતોની લોન માફ કરવાની કરેલી ઓફર સાથે વિવિધ રાજ્યોએ છેલ્લા એક દાયકામાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોની માંડી વાળેલી લોનની કુલ રૂ. 4.7 લાખ કરોડે પહોંચી છે, જે ઓદ્યૌગિક સ્તરની બેડ લોનના 82 ટકા જવા થાય છે, એમ એક અહેવાલ કહે છે. નાણાકીય વર્ષ 2019માં બેન્કિંગ સિસ્ટમમાં કૃષિ ક્ષેત્રની એનપીએ વધીને 12.4 ટકા અથવા રૂ. 8,79,000 કરોડની કુલ બેડ લોનમાંથી રૂ. 1.1 લાખ કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2016ની કુલ એનપીએ રૂ. 5,66,620 કરોડના 8.6 ટકા અથવા રૂ. 48,800 કરોડ હતી, એમ એસબીઆઇ રિસર્ચે અહેવાલમાં કહ્યું હતું.

નણાકીય વર્ષ 2019માં કૃષિ ક્ષેત્રની એનપીએ ઓવરઓલ એનપીએના 12,4 ટકા અથવા રૂ. 1.1 લાખ કરોડ હતી. હવે છેલ્લા એક દાયકામાં સરકારોએ કૃષિ ક્ષેત્રની રૂ. 3.14 લાખ કરોડની લોન માફીની જાહેરાત જ ધ્યાનમાં લઈશું તો સરકારી તિજોરી અથવા બેન્કોની પર કેટલો મોટો બોજો હોઈ શકે. છેલ્લાં નવ વર્ષોમાં કૃષિ ક્ષેત્રે રૂ. 4.2 લાખ કરોડની કૃષિ ક્ષેત્રે ખેડૂતોની લોન માંડી વાળવામાં આવી છે અને જો તેમાં મહારાષ્ટ્ર સરકારની જાહેરાત (ત્રણ વર્ષોમાં બીજી વાર) મુજબ રૂ. 45,000-રૂ. 51,000 કરોડની ખેડૂતોની લોન માફીની રકમ ઉમેરીએ તો એ વધીને રૂ. 4.7 લાખ કરોડ થાય છે, જે ઓદ્યૌગિક સ્તરની એનપીએના 82 ટકા થવા જાય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 3,000,240 કરોડની ખેડૂત લોન માફ

નાણાકીય વર્ષ 2015થી અત્યાર સુધી દેશનાં 10 રાજ્યોએ 10 રાજ્યોએ ખેડૂતોની આત્મહત્યા અને તેમને નુકસાન થયાના કિસ્સામાં અને રાજ્યોમાં રાજકીય કારણોસર રૂ. 3,00,240 કરોડની ખેડૂત લોન માફીની જાહેરાત કરી હતી. જોકે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકારના કાર્યકાળની લોન માફીની જાહેરાત જોઈએ તો એ રૂ. ચાર લાખ કરોડની હતી.

રાજ્યોએ કરેલી લોનમાફીની વિવિધ જાહેરાત

નાણાકીય વર્ષ 2015માં આંધ્રએ રૂ. 24,000 કરોડ, એ જ વર્ષે તેલંગાણાએ રૂ. 17,000 કરોડ, જ્યારે તામિલનાડુએ નાણાં વર્ષ 2017માં રૂ. 5,280 કરોડની લોનમાફીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નાણાકીય વર્ષ 2018માં મહારાષ્ટ્રે રૂ. 34,020 કરોડ,  ઉત્તર પ્રદેશે રૂ. 36,360 કરોડ, પંજાબે રૂ. 10,000 કરોડ અને નાણાકીય વર્ષ 2019માં કર્ણાટકે રૂ. 18,000 કરોડ અને અન્ય બીજા રૂ. 44,000 કરોડની લોનમાફીની જાહેરાત કરી હતી. એ જ રીતે નાણકીય વર્ષ 2019માં રાજસ્થાને રૂ. 18,000 કરોડ, મધ્ય પ્રદેશે રૂ. 36,500 કરોડ અને છત્તીસગઢે રૂ. 6,100 કરોડ અને મહારાષ્ટ્રે ગયા મહિને રૂ. 45,000-રૂ. 51,000 કરોડની લોન માફીની જાહેરાત કરી હતી.

આમાં એક વિશેષ વાત એ છે કે  મોટા ભાગની આ લોન માત્ર કાગળ પર માંડી વાળવામાં આવી હતી અને ખરેખર માંડી વાળેલી રકમ કુલ રકમના 60 ટકા કરતાં વધુ ના હતી, જેમાં મધ્ય પ્રદેશે સૌથી ઓછી 10 ટકા રકમ જ માંડી વાળી હતી. જોકે બીજી રસપ્રદ બાબત એ હતી કે જે વર્ષોમાં આ લોન રાજ્યો દ્વારા માંડી વાળવામાં આવી હતી, તે રાજ્યોમાં ખેડૂતો દ્વારા નવી લોન લેવાના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો.