ટુ વ્હીલરના ચાલકો માટે રાહતની વાત, વાઈપરવાળું હેલ્મેટ…

નવી દિલ્હીઃ બાઈક સવારી કરતી વખતે વરસાદને કારણે ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગના લોકો વરસાદમાં ટુ વ્હીલર ડ્રાઈવિંગ કરવાથી બચતાં હોય છે. પરંતુ ઘણી વખત પરિસ્થિતિના કારણે ડ્રાઈવિંગ ફરજિયાત થઈ જતું હોય છે. વરસાદના દિવસોમાં 3 વ્હીલર્સ અને 4 વ્હીલર્સમાં વિન્ડ સ્ક્રીન વાઇપર હોવાથી વાહન ચલાવવામાં કોઈ સમસ્યા નથી આવતી. પરંતુ 2 વ્હીલર ચલાવનારા લોકો હેલ્મેટ પર પાણીના ટીપાને કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હેલ્મેટના કાચ પર વરસાદના ટીપાં પડવાથી બહારનું દ્રશ્ય જોવામાં તકલીફ પડે છે. તેમ જ શ્વાસ લેવાથી હેલ્મેટની અંદર ધુમ્મસ થઈ જાય છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ માર્કેટમાં છે. કારણ કે વાઈપરવાળા હેલ્મેટ આવી ગયા છે.

Wipey નામની એક કંપનીએ હેલ્મેટ માટે એક નાનકડું વાઇપર બનાવ્યું છે. આ વાઇપર બેટરીથી ચાલે છે. આ વાઇપર પણ ગાડીના વાઇપરની જેમ જ કામ કરે છે. આ ઉપરાંત આમાં બ્લુટૂથ કનેક્ટિવિટી ફિચર પણ આપવામાં આવ્યું છે. જેની મદદથી તમે બાઈકમાં આપેલા સ્વીચથી કનેક્ટ કરી શકો છે. આ સ્વીચને એક્સલેટર પાસે લગાવવામાં આવશે. જેથી બાઈક ચાલક વાઈપરને સરળતાથી ચાલુ બંધ કરી શકશે. વાઇપરમાં લાગેલી બેટરી સતત 3 કલાક સુધી ચાલે છે અને તે સામાન્ય વપરાશ પર 12 કલાકનો બેકઅપ આપે છે.

આ ઇલેક્ટ્રિક વાઇપરને હેલ્મેટના ઉપરના ભાગે લગાવી શકાશે. 130 કિમી પ્રતિ ઝડપથી પણ બાઇક ચલાવવાથી પણ આ વાઈપર નીકળતું નથી. આ વાઇપર 1, 3 અને 6 સેકન્ડના ઈન્ટરવલ પ્રમાણે ચાલે છે. આ ઇલેક્ટ્રિક વાઇપર સરળતાથી ફુલ ફેસ, મોડ્યુલર અને ઓપન ફેસ હેલ્મેટ પર લગાવી શકાય છે. આ ડિવાઇસની ઉપલબ્ધતા અને કિંમત હજી જાહેર કરવામાં આવી નથી.

જો વાઈપરના આકારની વાત કરવામાં આવે તો, આ એક ગો પ્રો કેમેરાથી પણ નાનું છે, જેનો ઉપયોગ હેલ્મેટ પર લગાવવા માટે કરવામાં આવે છે. આ હેલ્મેટ પર એક પ્લાસ્ટિકની મદદથી વાઈપર લગાવી શકાશે, જેને બાઈક ચાલક તેમની અનુકુળતા અનુસાર કાઢી પણ શકે છે. આ ઉપરાંત આ હેલ્મેટમાં એક સેફ્ટી પિન અને સ્પ્રિંગ પણ આપવામાં આવી છે, જેની મદદથી સરળતાથી વાઈપરને હેલ્મેટ પર ફિટ કરી શકાય.