નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સાંજે ચાર વાગ્યે પત્રકાર પરિષદ સંબોધવાના છે. બજારમાં એવી વાતો વહેતી થઈ છે કે વિશ્વની સેન્ટ્રલ બેન્કોને પગલે દેશની મધ્યસ્થ બેન્ક મહત્ત્વના વ્યાજદરોમાં વધુ એક કાપ મૂકશે. યુએસ ફેડરલ રિઝર્વ, બેન્ક ઓફ ન્યુ ઝીલેન્ડ અને બેન્ક ઓફ કોરિયાએ પણ મહત્ત્વના વ્યાજદરોમાં કાપ મૂક્યો છે, એને પગલે રિઝર્વ બેન્ક પણ વ્યાજકાપ કરે એવી શક્યતા છે.
સામાન્ય રીતે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC) દર બે મહિને વ્યાજદર વધારવા કે ઘટાડવા માટે બેઠક મળતી હોય છે, પરંતુ આ વખતે વ્યાજકાપ માટે MPCની બેઠકની જરૂર નથી, કેમ કે વૈશ્વિક બજારોમાં જે રીતે કોરોના વાઇરસની અસરે મંદી વ્યાપેલી છે, એ જોતાં અનેક દેશોની મધ્યસ્થ બેન્કોએ વ્યાજકાપની જાહેરાતો કરી છે, જેથી RBI પણ વ્યાજકાપ કરીને આ બેન્કો સાથે જોડાશે?
રિઝર્વ બેન્ક 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી શક્યતા
રિઝર્વ બેન્ક હવે મહત્ત્વના વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી સંભાવના છે. યુએસ ફેડરલ રિઝર્વ રવિવારે તેના ધિરાણદર ઝીરો કર્યા હતા, જ્યારે ન્યુ ઝીલેન્ડ અને બેન્ક ઓફ કોરિયાએ એને પગલે તેમના વ્યાજદરોમાં 75 બેઝિસ પોઇન્ટ અને 50 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો.
રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા બેઠક ત્રીજી એપ્રિલે
રિઝર્વ બેન્કની એમપીસીની ધિરાણ નીતિની આગામી સમીક્ષા બેઠક ત્રીજી એપ્રિલે યોજાવાની છે, જેમાં પણ રિઝર્વ બેન્ક 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી શક્યતા છે.
વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસને લીધે જે ગભરાટ ફેલાયો છે અને જે રીતે દિન-પ્રતિદિન તૂટી રહ્યાં છે, એ જોતાં રિઝર્વ બેન્ક પણ વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે.