નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતમાં સરકારી એજંસી સી-ડોટ તરફથી કહેવામાં આવ્યું હતું કે સરકાર નાના દુકાનદારો અને રેકડીઓમાં વાઈફાઈ ડિવાઈઝ લગાવવા માટે તૈયારી કરી રહી છે. અત્યારે આ પ્રકારે કશું જ દેખાઈ રહ્યું નથી. પરંતુ આ પહેલા વાઈફાઈનું એક ડિવાઈઝ આવી ચૂક્યું છે જે સરકારી નહીં પરંતુ પ્રાઈવેટ છે. જિઓ આવ્યા બાદ ડેટા સસ્તો થઈ ગયો છે અને ટેલિકોમ કંપનીઓ ઓછી કિંમત પર વધારે ડેટા આપી રહી છે.
બેંગલોરનું એક સ્ટાર્ટ અપ છે જેનું નામ જ વાઈફાઈ ડબ્બો છે. આશરે એક વર્ષ જૂની આ કંપનીનું માનવું છે કે ભારતમાં હજી ડેટા મોંઘો છે. કંપનીએ જણાવ્યું કે અમને વિશ્વાસ છે કે જિઓ લોન્ચ થયા બાદ ભારતમાં ડેટાની કીમતોમાં ઘટાડો થયો છે અને અત્યારે ડેટા વધુ સસ્તા કરવાની તક છે. અમે લોકો ડેટાને વર્તમાન સમયના ભાવ કરતાં પણ વધારે સસ્તાં બનાવીશું.
આ સ્ટાર્ટઅપના કેટલાક ડેટા પ્લાન તો એવા છે જેની કિંમત માત્ર 2 રૂપિયા છે. 2 રૂપિયામાં 100MB ડેટા મળશે. તો આ સિવાય 10 રૂપિયાનો પણ એક પ્લાન છે જેમાં 500MB ડેટા પ્રાપ્ત થશે. આ તમામ ત્રણ ડેટા પેકની વેલિડિટી 24 કલાકની જ રહેશે. જિઓની જો વાત કરવામાં આવે તો તે 19 રૂપિયામાં અનલિમિટેડ વોઈસ કોલિંગ સાથે 0.15GB ડેટા આપે છે અને તેની વેલિડિટી પણ એક દિવસની છે.
કેવી રીતે કામ કરે છે વાઈફાઈ ડબ્બો
હકીકતમાં વાઈફાઈ ડબ્બો એ ઈંટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની છે કે જે ફાઈબર ઓપ્ટિક્સ દ્વારા ઈંટરનેટ આપે છે. રાઉટર્સને કરિયાણાના સ્ટોર્સ પર લગાવવામાં આવે છે. કંપની અનુસાર 100 થી 200 મીટર રેડિયસમાં 50MBPS જેટલી સ્પીડથી ઈંટરનેટ આપવામાં આવે છે. આ સ્ટાર્ટઅપે અત્યારે 350 રાઉટર્સ લગાવ્યાં છે અને કંપની દાવો કરી રહી છે કે આના 1800 જેટલા કનેક્શનની રિકવેસ્ટ અત્યારે વેઈટિંગમાં છે. આના માટે વાઈફાઈ ડબ્બા નામની આ કંપનીએ કેબલ ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે.