સરકાર બંધ કરી શકે છે ચેકબૂક…જાણો કેમ

નવી દિલ્હીઃ નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાની સાથેસાથે પેમેંટ કરવાની રીતને પણ બદલી નાંખી હતી. નોટબંધી પાછળ સરકારનો એક તર્ક દેશને કેશલેસ ઈકોનોમી બનાવવાનો પણ હતો. ડિજિટલ ટ્રાંઝેક્શનને વેગ આપવા માટે સરકાર ગત વર્ષથી કેટલાય કાર્યક્રમો બનાવી રહી છે. ત્યારે આ દિશામાં સરકાર કોઈ મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ છે. અને નિર્ણય ચેક બૂક બંધ કરવાનો હોઈ શકે છે. આની પાછળ સરકારનો ઉદ્દેશ્ય નાણાકીય લેવડદેવડ પૂર્ણ રીતે ડિજિટલાઈઝ કરવાનો છે.

CAIT ના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેવાલે આ મામલે મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે શક્યતા દર્શાવી હતી કે નજીકના ભવિષ્યમાં સરકાર ડિજિટલ ટ્રાંઝેક્શનને વેગ આપવા માટે ચેકબૂક વ્યવસ્થાને સમાપ્ત કરી દેશે.

ખંડેવાલે ડિજિટલ રથના લોન્ચિંગ સમયે યોજાયેલા કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. CAIT અને માસ્ટરકાર્ડ સાથે મળીને આ કાર્યક્રમને ચલાવી રહ્યાં છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રેડર્સને ડિજિટલ ટ્રાંઝેક્શનની રીત બતાવવાની સાથે સાથે કેશલેસ ઈકોનોમીને વેગ આપવાનો છે. તેમણે જણાવ્યું કે સરકાર કરંસી છાપવા માટે 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે અને કરંસીની સુરક્ષા અને રખેવાળી 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તો બીજી તરફ બેંક ડેબિટ કાર્ડ પેમેંટ માટે 1 ટકા અને ક્રેડિટ કાર્ડ માટે 2 ટકા ચાર્જ વસૂલે છે. સરકાર આ પ્રક્રિયામાં બદલાવ કરીને બેંકોને સીધી સબસિડી આપવા માગે છે જેનાથી આ ચાર્જને દૂર કરી શકાય…