નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.89% થયો

નવેમ્બર મહિનાના જથ્થાબંધ ફુગાવા આંકડાની જાહેરાત કરવામાં આવી છે. નવેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.89% આસપાસ નોંધાયો હતો. આપને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 2.36 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો 1.84% હતો. શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવ ઘટવાના કારણે મોંઘવારીમાં ઘટાડો નોંધાયો છે.

ખાદ્યપદાર્થો અને પ્રાથમિક વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે

નવેમ્બર મહિનાના જથ્થાબંધ ફુગાવા પર નજર કરીએ દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનો મોંઘવારી દર પર 8.09%થી ઘટની 5.49% પર પહોંચ્યો છે. જ્યારે ખાદ્ય પદાર્થોનો ફુગાવો 11.59%થી ઘટીને 8.92% થયો છે. ઇંધણ અને પાવરનો જથ્થાબંધ ફુગાવાનો દર -5.79%થી ઘટીને -5.83% પર નોંધાયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવાનો દર 1.50%થી વધીને 2.00% થયો છે.

ફુગાવો કેવી રીતે માપવામાં આવે છે?

ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ અને બીજું જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. જ્યારે, જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)નો અર્થ એ છે કે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી જે ભાવ વસૂલ કરે છે. ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જથ્થાબંધ ફુગાવામાં ઉત્પાદિત ઉત્પાદનોનો હિસ્સો 63.75% છે, પ્રાથમિક વસ્તુઓ જેમ કે ખોરાક 22.62%, બળતણ અને શક્તિ 13.15% છે. તે જ સમયે છૂટક ફુગાવામાં ખાદ્યપદાર્થો અને ઉત્પાદનોનો હિસ્સો 45.86% છે, આવાસનો હિસ્સો 10.07% છે અને બળતણ સહિત અન્ય વસ્તુઓનો પણ હિસ્સો છે.