મુંબઈ: શેરબજાર પર ચૂંટણી પરિણામ પહેલાં જ તેજી છવાઈ ગઈ છે. ફેબ્રુઆરી પછીથી શેરબજારના મુખ્ય સૂચકઆંકોએ 10 ટકાની છલાંગ લગાવી છે. બજારની તેજીએ રોકાણકારોને એવી કંપનીઓ પર દાવ ખેલવા માટે પ્રેરિત કર્યાં છે, જે કંપનીઓની ચમક આવનારી સરકારમાં વધી શકે છે.
જો કે, સપ્તાહની શરુઆતે બજારમાં વેચવાલી પર દબાણ જોવા મળ્યું હતું. દેશના બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં એવા સંકેતો આપ્યાં છે કે, તેમની પાર્ટી સત્તા પર આવ્યા બાદ કઈ દિશામાં કામ કરશે.
જો ફરી ભાજપની સરકાર બનશે તો….
ભાજપે તેમના ચૂંટણી ઢંઢેરામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર વિશેષ ભાર મુક્યો છે. જેમાં રોડ ડેવલપમેન્ટ મુખ્ય છે. વર્તમાન સરકારે વર્ષ 2024 સુધી આ સેક્ટરમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે દેશના 50 શહેરોને આગામી પાંચ વર્ષમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો ભાજપની સરકાર ફરી વખત સત્તા પર આવશે તો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને વધુ મજબૂતી મળશે. જો કે, નવી સરકારે આ સેક્ટરના રોકાણ ચક્રને યોગ્ય કરવા માટે કેટલાંક કડક પગલાં લેવા પડશે.
જાણકારોએ લાર્સન એન્ડ ટુબ્રો, સદ્નાવ એન્જીનિયરિંગ અને દિલીપ બિલ્ડકોન સૌથી ફાયદામાં હોવાનું અનુમાન લગાવ્યું છે. તેમના અનુસાર ભાજપની સરકાર બનશે તો, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકને પણ મોટો ફાયદો થશે.
નિષ્ણાંતોનું માનવું છે કે, ભાજપની સરકાર બનશે તો ફાર્મા અને ડિફેન્સ સેક્ટરને પણ ઘણો ફાયદો થશે. તેમણે આ બંન્ને સેક્ટરોને ચેમ્પિયન સેક્ટર નામ આપ્યું છે. જે આર્થિક વિકાસને નવી દિશા આપી શકે છે.
જો કોંગ્રેસની સરકાર બનશે તો…
કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં ગ્રામીણ મુદ્દાઓ પર વિશેષ ભાર મુક્યો છે. પાર્ટીની યોજના ખેડૂતો માટે વિશેષ બજેટ રજૂ કરવાની છે. સાથે જ કૃષિ માટે વિશેષ આયોગની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસની સરકારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ અને ડાબર ઈન્ડિયા જેવા શેરોને ફાયદો મળી શકે છે. પાર્ટીએ ન્યાય યોજના હેઠળ દેશના 20 ટકા સૌથી ગરીબ પરીવારોને 72,000 રૂપિયાની વાર્ષિક આર્થિક મદદની જાહેરાત કરી છે. આનાથી એફએમસીજી સેક્ટરને ફાયદો થશે.
વિશ્લેષકોના મતે ટાઈટન કંપની, બાટા ઈન્ડિયા, જ્યૂબિલેન્ટ ફૂડવર્કસ, મેરિકો અને વરુણ બેવરેજીસ જેવા શેરોનું વેચાણ વધવાથી ઘણી મજબૂતી મળી શકે છે. વીમા અને હેલ્થકેર એવા સેક્ટર છે, જે બંન્ને પાર્ટીઓની જીતમાં તેજી દેખાડી શકે છે.