ન્યૂયોર્કઃ અમેરિકાની માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ટ્વિટરને સ્પેસ-એક્સ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કે 44 અબજ ડોલરમાં ખરીદી લીધી છે. મસ્કે સોશિયલ મિડિયા કંપની ટ્વિટરને ખરીદવા માટે આપેલી ઓફરનો ટ્વિટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે સ્વીકાર કરી લીધો છે. રોઈટર સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આ સોદો થયા બાદ ટ્વિટરના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર પરાગ અગ્રવાલે કર્મચારીઓને જણાવ્યું હતું કે મસ્કની માલિકી હેઠળ ટ્વિટર કંપનીનું ભવિષ્ય વિશે પોતે અચોક્કસ છે, કારણ કે મસ્ક આને ખાનગી સ્વરૂપમાં બદલી નાખશે.
પરાગ અગ્રવાલ હજી ગયા વર્ષના નવેમ્બરમાં જ ટ્વિટરના સીઈઓ નિમાયા હતા. તે પહેલાં એ ટ્વિટરમાં ચીફ ટેક્નોલોજી ઓફિસર હતા. એમણે કર્મચારીઓને કહ્યું છે કે સોદો થઈ ગયા બાદ ટ્વિટર પ્લેટફોર્મ કઈ દિશામાં જશે એની અમને કંઈ જ ખબર નથી. મસ્ક આગામી કોઈક તારીખે ટ્વિટરના કર્મચારીઓ સાથે પ્રશ્નોત્તરી સત્રમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે મસ્ક ટ્વિટરના કાયમ ટીકાકાર રહ્યા છે. ટ્વિટર યૂઝર્સને એમનાં વિચારો મુક્તપણે પ્રદર્શિત કરવા દેતી નથી.