ઓઇલની કિંમતોમાં ઉછાળા માટે અમે જવાબદાર નહીં: સાઉદી અરેબિયા

દુબઈઃ યમનના હૂતી વિદ્રોહીઓના હુમલા પછી વિશ્વમાં સૌથી મોટા ઓઇલ નિકાસકાર દેશમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનને પ્રતિકૂળ અસર થવાને કારણે વૈશ્વિક ઓઇલના સપ્લાયમાં ઘટાડાની કોઈ જવાબદારી નહીં લે, એમ સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું. સાઉદી અરેબિયાએ આકરી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે એના અધિકારીઓને માલૂમ છે કે એની નાની-નાની- ટિપ્પણીઓ પણ ઓઇલની કિંમતને અસર કરે છે અને વૈશ્વિક બજારમાં અફરાતફરી મચાવી શકે છે.

હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાનાં ઓઇલ કેન્દ્રો પર હુમલા કર્યાં હતા, જેનાથી યુદ્ધ વધુ તેજ થવાની આશંકા હતી, જે 2014માં ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા યમનની રાજધાની સના અને ઉત્તરી ભાગમાં કબજો કર્યા પછી શરૂ થયા હતા. સાઉદી અરેબિયા અને એના સહયોગીઓએ હૂતી વિદ્રોહીઓને દૂર કરવા માટે અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને મંજૂરી આપવા માટે ભીષણ હુમલાની આ કાર્યવાહીનો વળતો જવાબ આપ્યો હતો. જેથી સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે એના ઓઇલ કેન્દ્રો પર હુમલાને ધ્યાનમાં રાખતાં જો ઓઇલ સપ્લાયમાં ઘટાડો થશે તો એ કોઈ પણ પ્રકારની જવાબદારી લેશે નહીં.

ખાડી ઓઇલ ક્ષેત્રના ઉત્પાદકોએ યુક્રેન પર રશિયાના આક્રમણની વચ્ચે ક્રૂડની ઓઇલની કિંમતો ઘટાડવામાં મદદ કરવા વધુ ક્રૂડ ઓઇલ કાઢવા માટે અમેરિકા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના પ્રસ્તાવનો અત્યાર સુધી વિરોધ કર્યો છે.

યમનના ઇરાન સમર્થિત વિદ્રોહીઓએ રવિવારે સાઉદી અરેબિયાના ઓઇલ અને કુદરતી ગેસ ઉત્પાદન કેન્દ્રોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા હતા, જેથી દેશના બીજા સૌથી મોટા શહેર જિદ્દાના બંદરગાહમાં એક પેટ્રોલિયમ વિતરણ કેન્દ્રમાં આગ લાગી ગઈ હતી.