નવી દિલ્હીઃ વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલર આવનારા બે મહિનામાં પોતાના 21 હજારથી વધારે કર્મચારીમાંથી એક ચતુર્થાંશ ભાગના કર્મચારીઓની છટણી કરી શકે છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંન્નેના મર્જર બાદ બનનારી નવી કંપનીને કાર્યકુશળ બનાવવા માટે આવું કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર બંન્ને કંપની અત્યારે મોટી ખોટનો સામનો કરી રહી છે. તેમના પર સંયુક્ત રૂપે 1,20,000 કરોડ રૂપિયાનું દેવું છે. અને એટલા માટે જ વિલયની પ્રક્રિયાને સંભાળી રહેલી નોડલ ટીમે બંન્ને કંપનીઓને આવનારા બે મહિનામાં 5 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરવાની સલાહ આપી છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છટણી જલ્દી જ થવી જોઈએ, કારણ કે આટલા મોટા દેવાના દબાણ હેઠળ ચાલી રહેલી બંન્ને કંપનીઓ ક્યારેય એવું ન ઈચ્છે કે બંન્ને કંપનીઓના જોડાણ બાદ એક નવી કંપનીની શરૂઆત વધારે કર્મચારીઓના બોજા સાથે થાય. મર્જરને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને છોડીને અન્ય રેગ્યુલેટર્સ પાસેથી મંજૂરી મળી ગઈ છે અને માનવામાં આવી રહ્યું છે કે મે માસ સુધી બંન્ને કંપનીઓના જોડાણની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જે કર્મચારીઓનું પર્ફોર્મન્સ ખરાબ રહેશે તેમને કંપનીમાંથી કાઢવામાં આવી શકે છે. તો આ સિવાય એક જ જોબ પ્રોફાઈલ પર બંન્ને કંપનીઓમાં કામ કરી રહેલા લોકોને પણ નોકરી છોડવી પડી શકે છે. આ અંતર્ગત 5 હજારથી વધારે કર્મચારીઓની છટણી થઈ શકે છે, કારણ કે એક જ પ્રોફાઈલ પર બંન્ને કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓની સંખ્યા વધારે છે. ટેલિકોમ સેક્ટરમાં પહેલા પણ ઘણી કંપનીઓ બંધ થવાથી બેરોજગારી વધી ગઈ છે. ત્યારે આવા સમયમાં વોડાફોન અને આઈડિયાની છટણીથી દબાણ વધશે.