નવી દિલ્હીઃ માર્ચ 2019માં પૂર્ણ થયેલા 6 મહિના દરમિયાન એમ્પ્લોયર ગ્રીન કાર્ડ માટે અરજી કરવામાં અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ જેવી કે એમેઝોન, કોગ્નિઝન્ટ, સિસ્કો, ફેસબૂક અને ગૂગલ ટોપ-10માં આવતી હતી. માત્ર બે ભારતીય કંપની ટીસીએસ અને ઈન્ફોસિસ આ યાદીમાં સ્થાન દર્શાવે છે તેમ યુએસ સરકારના ડેટાએ દર્શાવ્યું છે.
આ કંપનીઓ અમેરિકામાં તેમની ઓફિસમાં કામ કરતા પ્રતિભાશાળી ઇમિગ્રન્ટ્સને કાયમી વસવાટ આપવા માગણી કરી હતી. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ ઓક્ટોબરથી સપ્ટેમ્બરના કેલેન્ડર વર્ષને અનુસરે છે. એમેઝોને એમ્પ્લોયર ગ્રીનકાર્ડ માટે 1,500 અરજીઓ કરી છે જે ટોચની 10 કંપનીઓમાં સૌથી વધુ છે.
કોગ્નિઝન્ટ ટેક્નોલોજી ભારતમાં મોટો બેઝ ધરાવે છે અને તેણે 1,300 કર્મચારીઓના ગ્રીનકાર્ડ માટે અરજી કરી છે. તેના પછી સિસ્કો ત્રીજા ક્રમે છે. ટીસીએસ ગ્રીનકાર્ડની અરજીમાં ચોથા ક્રમે છે અને તેણે કુલ 1,069 અરજીઓ કરી છે.
જ્યારે ઇન્ફોસિસ સાતમા ક્રમે હોવાનું ડેટા દર્શાવે છે. આ અરજીઓમાંથી કેટલાને કાયમી વસવાટ માટે પરમિટ મળશે તે નક્કી નથી. મોટા ભાગની કંપનીઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોગ્નિઝન્ટના પ્રવક્તાએ કહ્યું કે હાઈ-સ્કીલ્ડ કર્મચારીઓ તેની એસેટ છે અને તેને કાનૂની વસવાટ અપાવવા માટે તેઓ તેમને સ્પોન્સર કરે છે.