ઓટો ઈન્ડસ્ટ્રીએ રાહત પેકેજની સાથે GST ઘટાડાની કરી માગ

નવી દિલ્હી- વેચાણમાં મોટા ઘટાડાથી પરેશાન ઓટોમોબાઈલ કંપનીઓએ ડિમાન્ડમાં વધારા માટે સરકાર પાસે જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માગ કરી છે. કંપનીઓ ઈચ્છે છે કે, સરકાર તેમના માટે જીએસટી દર ઘટાડવાની સાથે વધુ ડેપ્રિસિએશન બેનિફિટ અને અનુકૂળ સ્ક્રેપેજ પોલિસી પણ બનાવે. તેમણે સરકાર પાસે BS-4  નોર્મ્સ લાગુ થયા બાદ BS-5 નોર્મ્સને યોગ્ય ગાડીઓ વેચવાની મંજૂરી આપવાની પણ માગણી કરી છે. ઓટોમોબાઈલ કંપનીઓ એ સરકારના ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર ભાર આપવા પર સવાલો ઉઠાવ્યાં છે.

કંપનીઓની મુશ્કેલી અંગે જાણકારી મેળવ્યા બાદ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ તરફથી એક બેઠક બોલાવવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ઓટો ઈન્ડસ્ટ્રી સરકાર પાસેથી રાહત પેકેજ પણ ઈચ્છે છે. તેમણે જીએસટી દરમાં પણ ઘટાડો કરવાની માંગ કરી છે. ઓટોમોબાઈલ પર 28 ટકા જીએસટીની સાથે જ સેગમેન્ટના હિસાબથી સેસ પણ લાગૂ પડે છે. આ કારણે ઓટોમોબાઈલ્સ સેક્ટર પર ટોટલ ટેક્સ વધી જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ડસ્ટ્રીની મતે વર્તમાન સ્થિતિનો સામનો કરવા માટે મોટાપાયે ઉપાયો કરવાની જરૂર છે. સેલ્સને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડસ્ટ્રી ફાઈનાન્સની પણ સરળ ઉપલબ્ધતા ઈચ્છે છે.

પેસેન્જર વ્હીકલનું વેચાણ જૂલાઈમાં 31 ટકા ઘટીને લગભગ બે લાખ યૂનિટ પર પહોંચી ગયું હતું. કંપનીઓએ જ્યારથી સેલ્સ ડેટા જાહેર કરવાનું શરુ કર્યું ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો છે. ઈન્ડસ્ટ્રી એક્ઝિક્યૂટિવ્સનું કહેવું છે કે, ડીલર્સને ત્યાં ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે, જે અત્યંત નબળા ગ્રાહક સેન્ટિમેન્ટનો સંકેત છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના જણાવ્યા અનુસાર ઈન્ડસ્ટ્રીમાં સ્લોડાઉનના પગલે છેલ્લા ત્રણ મહિનામાં બે લાખ નોકરીઓ ખત્મ થઈ ગઈ છે.

બેઠક દરમિયાન ઓટો ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ સરકારને કહ્યું કે, બેંકોને નિર્દેશ આપો કે તે તમામ ડીલર્સ સાથે ડિફોલ્ટર જેવો વ્યવહાર ન કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]