નવી દિલ્હીઃ અમેરિકી ફેડરલ રીઝર્વે બે દિવસની બેઠક બાદ વર્ષ 2018માં પહેલી વાર વ્યાજદરમાં વધારો કર્યો છે. બુધવારના રોજ લેવામાં આવેલા નિર્ણયમાં ફેડરલ રિઝર્વએ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આને લઈને હવે અમેરિકામાં વ્યાજદરો વધીને 1.50થી 1.75 ટકા થઈ ગયા છે.
ઈકોનોમીનું આઉટલુક થયું વધારે સારું
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું કે મોંઘવારીનું દબાણ ધીમે-ધીમે વધી રહ્યું છે અને મોંઘવારી 2 ટકાના લક્ષ્યની તરફ વધી રહી છે, પરંતુ ઈકોનોમીનું આઉટલુક વધારે સારૂ થયું છે. તો આ સાથે જ યૂએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની સાથે જીડીપીનું અનુમાન પણ વધાર્યું છે. આપને જણાવી દઈએ કે યૂએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલની અધ્યક્ષતામાં આ પ્રથમ બેઠક હતી.
2019માં 3 વાર વધારાનું અનુમાન
યૂએસ ફેડ દ્વારા 2019માં દરનું અનુમાન 2.7 ટકાથી વધીને 2.9 ટકા કરવામાં આવ્યું છે. આવતાં વર્ષે ત્રણ વાર વ્યાજ દરોમાં વધારાનું અનુમાન લગાવ્યું છે. તેમણે જણાવ્યું કે 2020 સુધી વ્યાજ દરો વધીને 3.4 ટકા થઈ શકે છે.
2018માં પહેલી વાર વધ્યા વ્યાજ દર
વર્ષ 2018માં પહેલીવાર ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં થયેલી બેઠકમાં વ્યાજ દરો નહોતા વધારવામાં આવ્યા. 2015 બાદ યૂએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં કરવામાં આ છઠ્ઠો વધારો છે. ઉલ્લેખનીય છે કે મંદી બાદ ફેડરલ રિઝર્વએ વ્યાજદરોને નિમ્નત્તમ સ્તર પર રાખ્યા હતા. પરંતુ હવે આમા સતત કરવામાં આવી રહેલા વધારે તે સ્થિતીમાંથી નિકળવાના રસ્તા સ્વરૂપે જોવામાં આવી રહ્યો છે.