મુંબઈ – “આગામી દિવસોમાં પ્રાઈવેટ બૅન્કનો માર્કેટ શૅર (બજારહિસ્સો) જાહેર ક્ષેત્રની બૅન્કની સરખામણીએ ઘણો વધી જશે” એવું કોટક મહિન્દ્ર બેન્કના એક્ઝક્યુટિવ વાઈસ-ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકે જણાવ્યું છે. “અત્યારે પ્રાઈવેટ બૅન્કનો માર્કેટ શૅર 70:30 જેટલો છે, જે આવતાં પાંચ વર્ષમાં 50:50 જેટલો થઈ જશે.” ઉદયભાઈએ આ નિરીક્ષણ જાહેર ક્ષેત્રની બૅન્કોની લોચામાં પડેલી લોન પરથી કર્યું છે…
ગયા મંગળવારે કોટક મહિન્દ્ર બૅન્કના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ ખાતે આવેલા વડા મથકમાં ચૂંટેલા પત્રકારો સાથે ઉદયભાઈ ઈન્ડિયન બૅન્કિંગ સેક્ટર વિશે તથા હજારો કરોડ રૂપિયાની બૅન્ક લોનની મુશ્કેલી વિશે વાત કરી રહ્યા હતા. એમની સાથે જોડાયા હતા નંદન નીલકેણી.
હકીકતમાં કોટક મહિન્દ્ર બેન્ક દ્વારા ઉદય કોટક-નંદન નીલકેણી વચ્ચે ‘ફાઈનાન્સનું ભવિષ્ય ઘડતાં પરિબળ’ વિશે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાતચીત દરમિયાન, બેંગલુરુ સ્થિત ‘ઈન્ફોસીસ’ના સહ-સ્થાપક તથા નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન નંદન નીલકેણીએ તાજેતરમાં એલઓયૂ, વગેરેની જે માથાકૂટ થઈ એ વિશે તમારું શું માનવું છે એવો સવાલ ઉદયભાઈને કર્યો એના જવાબમાં એમણે કહ્યું કે “ભારતીય બૅન્કો અત્યારે બહુ મોટા પડકારનો સામનો કરી રહી છે. બૅન્કિંગ બિઝનેસમાં તમારું ધ્યાન લોન પેટે આપેલા પૈસા વ્યાજ સાથે પાછા આવે એની પર હોવું જોઈએ. એક વાત આપણે એ સમજવાની જરૂર છે કે ધારો કે હું કોઈને 100 રૂપિયા લોન આપું તો એમાં નેવું રૂપિયા તો થાપણદારોના હોય છે, દસ રૂપિયા જ બૅન્કના હોય છે.”
બીજી બાજુ ‘યુનિક આઈડેન્ટિફિકેશન ડેટાબેઝ ઓથોરિટી ઑફ ઈન્ડિયા’ (UIDAI)ના સ્થાપક ચેરમેન નંદન નીલકેણીએ ‘આધાર’-આધારિત ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)નું મહત્વ સમજાવતાં કહ્યું કે આજે ડગલે ને પગલે કસ્ટમર આઈ-ડી પ્રૂફ માગવામાં આવે છે. આશરે સવાઅબજની વસતીવાળા આપણા દેશમાં કેટલા લોકો પાસે પાસપૉર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વગેરે હોય છે? પણ આધાર કાર્ડ આશરે એક અબજ લોકો પાસે છે. આધારને લીધે બૅન્કમાં ખાતું ખોલાવવું કેટલું સરળ બની ગયું છે આજે. લોકો ઘેરબેઠાં મધરાતે પણ (કોટકનું 811 ખાતું) ખોલાવી શકે છે. આથી ડિજિટલ પેમેન્ટમાં પણ ક્રાંતિ આવી રહી છે.
httpss://youtu.be/SUjIXPEVotw
(અહેવાલ અને વીડિયોગ્રાફીઃ કેતન મિસ્ત્રી)