ત્રીજો ‘મંગળ દિન’: સેન્સેક્સ 600 પોઇન્ટ, નિફ્ટી 24,450ને પાર

અમદાવાદઃ GDPના પ્રતિકૂળ ડેટા છતાં ઘરેલુ શેરબજારોમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં આગઝરતી તેજી થઈ હતી. ટ્રેડિંગ સેશનના ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ આશરે 900 પોઇન્ટ ઊછળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ 1700 પોઇન્ટથી વધુ ઊછળી ચૂક્યો છે. નિફ્ટી પણ 24,450ની ઉપર બંધ થયો હતો.

એશિયન માર્કેટમાં તેજીને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી થઈ હતી. ખાસ કરીને મેટલ અને ફાઇનાન્શિયલ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. આ સાથે BSE સેન્સેક્સ 598 પોઇન્ટ ઊછળી 80,845.75 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 181 પોઇન્ટ ઊછળી 24,457.15ના મથાળે બંધ થયો હતો. નિફ્ટીમાં આજે 24,280થી 24,481ની વચ્ચે કામકાજ થયાં હતાં. નિફ્ટી બેન્ક 587 પોઇન્ટ ઊછળી 52,696ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીના 50માંથી 41 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી 11 શેરો તેજી સાથે બંધ થયા હતા. આ સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ તેજીમય વાતાવરણ હતું.

આ સાથે બજારને તેજીનો બુસ્ટર ડોઝ ત્યારે મળ્યો હતો, જ્યારે US ફેડ રિઝર્વના અધિકારીઓએ આ મહિનાના અંતે વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવાની શક્યતા દર્શાવી હતી, એમ અહેવાલ કહે છે.

નિષ્ણાતોનું માનવું છે કે બજાર GDPના આંકડાને પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જેથી બજારની નજર હવે આ સપ્તાહના અંતમાં થનારી રિઝર્વ બેન્કની બેઠક પર છે. આ બેઠકમાં RBI ધિરાણ નીતિની MPC વ્યાજદરો વિશે નિર્ણય કરશે, જેનો માર્કેટને ઇન્તજાર છે.

BSE એક્સચેન્જ પર કુલ 4067 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2738 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1227 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 102 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 251 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 13 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.