સ્માર્ટ થાંભલા જણાવશે તમારા વિસ્તારના પોલ્યુશનનું સ્તર, જાણો વધુ વિગતો

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ તમારા વિસ્તારમાં એવા સ્માર્ટ થાંભલા લગાવશે કે જે તમારા વિસ્તારનું પોલ્યુશન લેવલ જણાવશે. આના માટે બીએસએનએલ અને ખાનગી ક્ષેત્રની કંપની નોકિયાએ એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત બંન્ને કંપનીઓ દેશભરમાં સ્માર્ટ થાંભલા લગાવશે. સ્માર્ટ થાંભલા જે-તે વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર જાણશે અને તે આંકડાઓ સંબંધિત સરકારી કાર્યાલય સુધી મોકલી આપશે. અને આના કારણે પ્રદૂષણને નિયંત્રિત કરવાની કાર્યવાહી શરુ કરી શકાશે.


આ મામલે બીએસએનએલના સીએમડી અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું કે બીએસએનએલે શરુઆતના ધોરણે નોકિયા પાસેથી આ પ્રકારના 50 થાંભલા ખરીદ્યા છે. અમે નોકિયા સાથે કરાર કર્યો છે. અમે લોકો દેશભરમાં આ પ્રકારના સ્માર્ટ થાંભલા લગાવીશું. આનાથી કોઈપણ વિસ્તારમાં પ્રદુષણનું સ્તર જાણી શકાશે અને તેના પર નિયંત્રણ મેળવવા માટે સમય અનુસાર પગલાં ભરી શકાશે.

આ પ્રકારના સ્માર્ટ થાંભલાની કીંમત વિશે જો વાત કરવામાં આવે તો એક સ્માર્ટ થાંભલાની કીંમત 46 લાખ રુપિયા છે. આ સ્માર્ટ થાંભલા મોબાઈલ ટાવર, વાઈફાઈ હોટસ્પોટ, સ્ટ્રીટ લાઈટ, અને દેખરેખ યંત્ર તરીકે પણ કાર્ય કરશે. શ્રીવાસ્તવે જણાવ્યું કે બીએસએનએલ અને નોકિયા આ થાંભલાઓના ઈન્સ્ટોલેશન માટે દરેક રાજ્યના જે તે શહેરના કોર્પોરેશન સાથે વાત કરશે.