મુંબઈઃ દેશના સૌથી અત્યાધુનિક સ્ટોક એક્સચેન્જ બીએસઈમાં શુક્રવારે સેન્સેક્સે પહેલી વાર 60,000ની વિક્રમસર્જક સપાટી પાર કરી દૈદીપ્યમાન ઈતિહાસ રચ્યો હતો. સેન્સેક્સ ગઈ કાલના 59,885.36ના બંધથી ઉપલા ગેપમાં 60,158.76 ખૂલ્યો હતો અને ઉપરમાં 60,333 સુધી અને નીચામાં 59,946.55 સુધી જઈ આગલા બંધથી 163.11 પોઈન્ટ્સ વધીને 60,048.47 બંધ રહ્યો હતો. બીએસઈ દ્વારા આજે આ ૬૦ હજારના વિક્રમની ઉજવણી પણ કરાઈ હતી. સેન્સેક્સને ૩૦,૦૦૦ના લેવલે પહોંચતા ૨૧ વરસ લાગ્યા હતા, જ્યારે ૩૦,000 થી ૬૦,૦૦૦ના સ્તરે પહોંચતા માત્ર ૨૧ મહિના લાગ્યા છે.
સેન્સેક્સ માત્ર 21 જાન્યુઆરી, 2021ના રોજ સેન્સેક્સ 50,000ની સપાટીએ હતો તે પછી આજે માત્ર 166 દિવસના ગાળામાં 10,000 પોઈન્ટ્સ વધીને 60,000 થયો છે, જે સેન્સેક્સનો અત્યાર સુધીનો સૌથી ઝડપી વધારો છે. જોકે અહીં એ નોંધીએ કે 25 જુલાઈ 1990ના રોજ સેન્સેક્સ માત્ર 1000 પોઈન્ટ્સની સપાટીએ હતો તેને 10,000ની સપાટીએ પહોંચતાં (6 ફેબ્રુઆરી, 2006) આશરે દસ વર્ષ લાગ્યાં હતાં.
સેન્સેક્સને પ્રથમ 30,000ની સપાટીએ પહોંચતાં 21 વર્ષ લાગ્યાં, જ્યારે બાકીના 30,000 પોઈન્ટ હાંસલ કરવામાં તેને માત્ર 21 મહિના લાગ્યા છે. સેન્સેક્સને 29 ઓક્ટોબર, 2007ના રોજ 20,000ની સપાટીએ પહોંચવામાં માત્ર 13 મહિના (432 દિવસ) લાગ્યા હતા. એ પછી 4 માર્ચ, 2015ના રોજ સેન્સેક્સ 1820 દિવસમાં બીજા 10,000 પોઈન્ટ્સની મજલ કાપીને 30,000ની સપાટી પાર કરી ગયો હતો. સેન્સેક્સને 30,000થી 40,000 પોઈન્ટ્સની સપાટીએ પહોંચતાં 1042 દિવસ લાગ્યા હતા.