દાઇકિન APમાં રૂ.-1000 કરોડનો AC મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે

નવી દિલ્હીઃ એર કન્ડિશનર (AC) બનાવનાર જાપાનની કંપની દાઇકિને નવી ફેક્ટરી લગાવવા માટે આંધ્ર પ્રદેશમાં જમીન ખરીદી પૂરી કરી લીધી છે. કંપની અહીં ઘરેલુ બજારની સાથે નિકાસ માટે AC બનાવશે. આ ફેક્ટરીથી 3000 લોકોને નોકરીઓ મળવાની અપેક્ષા છે.

કંપનીએ નવી ફેક્ટરી માટે આંધ્ર પ્રદેશના શ્રી સિટીમાં જમીનની ખરીદી કરી છે. કંપનીની ભારતીય સબસિડિયરી દાઇકિન ઇન્ડિયાએ 75 એકરમાં પ્લાન્ટ માટે જમીન ખરીદવાનો કરાર પૂરો કરી લીધો છે. આ પ્રકારે દાઇકિને હાલમાં જાહેર થયેલી પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ જમીન હસ્તાંતરણ કરનારી પહેલી કંપની બની ગઈ છે.

કંપની આ ફેક્ટરી કેટલાક તબક્કામાં તૈયાર થશે. પહેલા તબક્કામાં કંપની દ્વારા રૂ. 1000 કરોડનું મૂડીરોકાણ કરવાનો અંદાજ છે. એ ફેક્ટરી 2023થી કામ શરૂ કરશે. એની ક્ષમતા એક વર્ષમાં 15 લાખ એસી બનાવવાની હશે.

દાઇકિન લાંબા સમયથી ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એ પહેલાં રાજસ્થાનના નિમરાનામાં કંપની બે ફેક્ટરી અને એક R&D કેન્દ્ર લગાવવા માટે રૂ. 200 કરોડ ખર્ચ કરી ચૂકી છે. કંપની ઇચ્છે છે કે પશ્ચિમ એશિયા, શ્રીલંકા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકા જેવાં બજારો માટે ભારત ઉત્પાદન કેન્દ્ર બનશે.

કંપની આ ફેક્ટરીમાં એસી સિવાય એસીના પુરજા તૈયાર કરશે. હાલ ભારતમાં 75 ટકા એસીના પુરજા ચીન, તાઇવાન અને વિયેતનામથી આવે છે. કંપનીની આ ફેક્ટરી તૈયાર થવાથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન્ડિયા અને મેક ઇન્ડિયાને પણ વેગ મળશે