વૈશ્વિક અર્થતંત્ર રોગચાળાના પ્રભાવમાંથી ઊભરી રહ્યાના સંકેતઃ RBI

નવી દિલ્હીઃ વિશ્વમાં ફેલાયેલા કોરોના રોગચાળાની અસરમાંથી વૈશ્વિક અર્થતંત્ર ઊભરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે, એવું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે 48મા AIMA નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનમાં કહ્યું છે. તેમણે કહ્યું હતું કે રોગચાળાને લીધે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને આ પહેલાં આટલા મોટા ઝટકા બહુ ઓછા લાગ્યા છે. અર્થતંત્રને મજબૂત, સમાવેશી અને ટકાઉ બનાવવાની યોજના બનાવવા માટે હાલનો સમય યોગ્ય છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોના રોગચાળાએ ઘણા માળખાકીય ફેરફારો કરવા માટે પ્રેરિત કર્યા છે, જેમાં કામ કરવાની ઢબ અને જીનશૈલી, વેપાર-ધંધાને વ્યવસ્થિત જાળવવાના પ્રકારને બદલી નાખ્યો છે. કામ કરવાની લઢણ- વર્ક ફ્રોમ હોમ, ટેક્નોલોજીએ ઉત્પાદકતા વધારી છે, ખાસ કરીને યાત્રાના સમયની બચત, ઓનલાઇન પ્લેટફોર્મમાં વેચાણને પ્રોત્સાહન અને ઓટોમેશનને વેગ આપ્યો છે. પરિણામે વપરાશની તરાહમાં બદલાવ આવ્યો છે, જેથી કંપનીઓએ સપ્લાય ચેઇન- બંને સ્થાનિક અને વૈશ્વિકમાં ફેરબદલ કરવો પડ્યો છે. આ પરિવર્તનોનો અર્થતંત્ર પર વ્યાપક અસરો પડી છે.

તેમના જણાવ્યા મુજબ અર્થતંત્રની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાકીય વ્યવસ્થાઓમાં ઝડપથી બદલાવ થયો છે. રિકવરીની સાતત્યતા માટે ખાસ કરીને નાણાકીય સમાવેશી પ્રાથમિકતા છે. વિવિધ ક્ષેત્રોમાં રિકવરી રેટ અલગ-અલગ રહ્યો છે. રોગચાળાએ ફિન્ટેક, એડટેક અને હેલ્થટેક કંપનીઓ જેવી ટેક્નોલોજી કંપનીઓને એક નવી ઝડપ આપી છે. જેને કારણે આવનારા સમયમાં ફન્ડિંગ કામગીરીમાં વેગ આવે એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ, કસ્ટમર ટ્રબલશૂટિંગ, ડેટા એનાલિટિક્સ, વર્કપ્લેસ ટ્રાન્સફોર્મેશન, સપ્ટાલ ચેઇન ઓટોમેશન, 5G આધુનિકીરણે અને સાઇબર સુરક્ષા ક્ષમતાઓ જેવાં ક્ષેત્રે મજબૂત માગની સાથે ભારતની ડિજિટલ ઝડપ ચાલુ રહેવાની અપેક્ષા છે.