નવી દિલ્હીઃ રોડ પર તમને જલ્દી જ ફરથી જાવા બાઈક જોવા મળશે. આ બાઈકને રીલોન્ચ કરવાની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. આના માટે મહિન્દ્રાએ જાવા બાઈકમાં ભાગીદારી ખરીદી છે. આને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, રુસ્તમ ગ્રુપના ચેરમેન અને એમડી બોમન રુસ્તમ ઈરાની અને Phi capital ના ફાઉન્ડર અનુપમ થારેજાએ સાથે મળીને બનાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે બોમન ઈરાનીના પિતા ફારુખ ઈરાનીએ આઈડલ જાવા લિમિટેડનો પાયો નાખ્યો હતો.
આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે જાવાને સારો રિસ્પોન્સ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ બાઈકના વેચાણ માટે 64 જેટલા ડીલરોએ રસ દાખવ્યો છે અને આશાઓ રાખવામાં આવી રહી છે કે લોન્ચ બાદ આશરે 100 ડીલર જાવા બાઈક સાથે જોડાઈ જશે. થારેજાએ જણાવ્યું કે જાવા બાઈક બ્રાંડ પર ડીલર કરોડો રુપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે. આનંદ મહિન્દ્રાએ જાહેરાત કરી કે જાવા બાઈકને આ જ વર્ષે લોન્ચ કરવામાં આવશે.
જાવા 70ના દશકમાં ખૂબ જાણીતુ બાઈક હતું. શહેરી વિસ્તારોમાં આ બાઈકનો ખૂબ ક્રેઝ હતો. તે સમયે આની ટક્કર રોયલ એન્ફીલ્ડ સાથે થતી હતી. આને 1960માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ 20 વર્ષ પહેલા વર્ષ 1996માં આનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું. ભારતમાં જાવા બાઈકનું પ્રોડક્શન 1960માં શરુ થઈને 1974 સુધી ચાલ્યું.
માનવામાં આવી રહ્યું છે કે જાવા બાઈકની સીધી ટક્કર રોયલ એન્ફીલ્ડના ક્લાસિક 350 મોડલ સાથે થશે. તો પ્રાઈઝને લઈને પણ બંન્ને બાઈકમાં ટક્કર જામશે. કંપનીએ અત્યારે બાઈકની કીંમતનો ખુલાસો નથી કર્યો. રોયલ એનફીલ્ડની વર્તમાન કીંમત 1.44 લાખ રુપિયા છે.