મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે આગામી દિવસોમાં વ્યાજદરમાં હજી વધારો કરવામાં આવવાની શક્યતા વ્યક્ત કરી એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું અને સ્ટૉક ઇન્ડેક્સ પણ ઘટ્યા હતા. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.04 ટકા (780 પોઇન્ટ) ઘટીને 37,381 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,161 ખૂલીને 38,202ની ઉપલી અને 37,032 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. આ ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાં શિબા ઇનુમાં 8.20 ટકાનો સૌથી વધુ ઘટાડો થયો હતો. યુનિસ્વોપ, લાઇટકોઇન અને ડોઝકોઇન 4થી 7 ટકાની રેન્જમાં ઘટ્યા હતા તથા બિટકોઇન 29,000 ડોલરની સપાટીની નીચે પહોંચી ગયો હતો.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ કોઇનબેઝે અરજી કર્યાનાં લગભગ બે વર્ષ બાદ નેશનલ ફ્યુચર્સ એસોસિયેશને એને અમેરિકામાં ક્રીપ્ટો ફ્યુચર્સ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. બીજી બાજુ, અબુ ધાબી ગ્લોબલ માર્કેટે વર્ચ્યુઅલ એસેટ પ્લેટફોર્મ એમટુને ફાઇનાન્શિયલ સર્વિસીસ પરમિશન લાઇસન્સ આપ્યું છે.
અન્ય એક અહેવાલ મુજબ ફંડ્સટ્રેટ કંપનીએ અંદાજ વ્યક્ત કર્યો છે કે સ્પોટ બિટકોઇન ઈટીએફને નિયમનકારી મંજૂરી મળી જાય તો બિટકોઇનનો ભાવ 2024ના અંત સુધીમાં વધીને આશરે 1,50,000 ડોલર થઈ શકે છે.