બિટકોઈનને માન્યતા આપવાનો નાણાપ્રધાનનો ઈન્કાર

નવી દિલ્હી- નાણાપ્રધાન અરૂણ જેટલીએ એકવાર ફરીથી વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈનને માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. જેટલીનું કહેવું છે કે અત્યારે બિટકોઈનને માન્યતા આપવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. આના પર બનાવવામાં આવેલી એ કમિટીના રીપોર્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ઝડપથી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બિટકોઈન પર બનાવવામાં આવેલો રિપોર્ટ નાણામંત્રાલયને સોંપવામાં આવ્યો છે.

રિપોર્ટ પર અંતિમ નિર્ણય લેવા માટે નાણાપ્રધાને પ્રધાનોની એક કમિટી બનાવી હતી અને આ મામલે ગૃહ સચિવ તેમજ નીતિ આયોગના ઉપાધ્યક્ષ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. આના પર બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સી પર બેન લગાવવા પર સમિતિમાં સહમતી સધાઈ નહોતી. માનવામાં આવી રહ્યું છે ક અચાનક બેન લગાવવાના કારણે મોટા નુકસાનની આશંકાઓ છે. માન્યતા ન મળવા છતા દિલ્હીમાં આનો વ્યાપાર જોરશોરથી વધી રહ્યો છે, જે ચિંતાજનક છે.