નવી દિલ્હીઃ હાલના ડેટા મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષના મધ્યમાં ધીમું પડ્યું છે, પણ નિષ્ણાતોનું માનવું છે કે આ એક હંગામી સ્થિતિ છે. તહેવારોની સીઝન સાથે અર્થતંત્ર વેગ પકડશે.
સપ્ટેમ્બરમાં GST વસૂલાત 6.5 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડે પહોંચી છે, જે એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં દ્વિઅંકી વૃદ્ધિથી ઓછી છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ PMI પણ સપ્ટેમ્બરમાં આઠ મહિનાના નીચલા સ્તરે 56.5એ પહોંચ્યો છે.
ઘરેલુ કાર વેચાણમાં પણ સપ્ટેમ્બર સતત ત્રીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. જોકે દેશમાં જૂનથી સપ્ટેમ્બરમાં પડેલા વરસાદમાં સરેરાશ 7.6 ટકાનો વધુ વરસાદ નોંધાયો છે, જે આર્થિક કામગીરી પર સકારાત્મક અસર કરશે.
આમે તહેવારોની સીઝનની સાથે-સાથે હવે લગ્નગાળાની સીઝન પણ થઈ થઈ રહી છે. આ વર્ષે દેશમાં આશરે 48 લાખ લગ્નો થવાનો અંદાજ છે અને આ લગ્ન સીઝનમાં રૂ. 5.9 લાખ કરોડનો વેપાર થવાની અપેક્ષા છે. એકલા દિલ્હીમાં 4.5 લાખ લગ્નો થવાનાં છે, જેમાં રૂ. 1.5 લાખ કરોડનો વેપાર થવાનો અંદાજ છે.વળી, વર્લ્ડ ઈકોનોમિક ફોરમના મુખ્ય અર્થશાસ્ત્રીઓએ ભારતીય અર્થતંત્રને મજબૂત બતાવ્યું છે. એના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યા વિશ્વનાં અર્થતંત્રો પર વધતાં દેવાં અને રાજકીય પડકારોને કારણે થયેલા દબાણને કારણે ચિંતા દર્શાવવામાં આવી છે, ત્યારે સાઉથ એશિયાની સારી સ્થિતિ માટે ભારતના મજબૂત દેખાવ અને પ્રાથમિક ચાલક બળ દર્શાવવામાં આવ્યું છે.
વળી, ફેડ રિઝર્વના વ્યાજદર ઘટાડાને પગલે રિઝર્વ બેન્ક પણ વ્યાજદરમાં કાપ મૂકે એવી શક્યતા છે, જેથી ઘરેલુ બજારોમાં સ્થિતિ સાનુકૂળ રહેવાની વકી છે.