નવી દિલ્હીઃ દેશના ફોરેક્સ રિઝર્વમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનું ફોરેક્સ રિઝર્વ સૌપ્રથમ વાર પાંચ જૂને પૂરા થતા સપ્તાહમાં 8.22 અબજ ડોલર વધીને 500 અબજ ડોલરને પાર થઈ ગયું છે. નાણાં મંત્રાલયના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ ફોરેન એક્સચેન્સ રિઝર્વ 500 અબજ ડોલરને પાર થયું એ એક ઐતિહાસિક ક્ષણ છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ ઓવરઓલ રિઝર્વ વધીને 501.70 અબજ ડોલર થઈ ગયું છે. ફોરેન કરન્સી એસેટ્સમાં થયેલા વધારાને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો છે. આ પ્રકારે હવે દેશનું ફોરેક્સ રિઝર્વ એક વર્ષના આયાત ખર્ચના બરાબર થઈ ગયું છે.
આ પહેલાં 3.44 અબજ ડોલરનો વધારો
આ પહેલાં 29 મેએ પૂરા થતા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ 3.44 અબજ ડોલર વધીને 493.48 અબજ ડોલર થયું હતું. પાંચ જૂનના પૂરા થતા સપ્તાહમાં દેશની ફોરેક્સ કરન્સી એસેટ્સમાં 8.42 અબજ ડોલર વધીને 463.63 અબજ ડોલર થઈ ગઈ હતી.
દેશના ફોરેક્સ રિઝર્વમાં રેકોર્ડ વધારો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશના ફોરેક્સ રિઝર્વ બાબતે જણાવ્યું હતું કે દેશનું ફોરેક્સ રિઝર્વ 1.73 અબજ ડોલર વધીને 493 અબજ ડોલર એટલે કે 37 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે દેશની 12 મહિનાની આયાતના બરાબર છે.
ફોરેક્સ રિઝર્વમાં 9.2 અબજ ડોલરનો વધારો
રિઝર્વ બેન્કના આંકડા મુજબ એક એપ્રિલથી 15 મે સુધી ફોરેક્સ રિઝર્વમાં 9.2 અબજ ડોલરનો વધારો થયો છે. માર્ચ, 2020 પછી ફોરેક્સ રિઝર્વમાં 24 અબજ ડોલરનો વધારો થયો છે, જે ભારતીય અર્થતંત્રમાં રોકાણકારોને વિશ્વાસ દર્શાવે છે. જૂનના પહેલા સપ્તાહમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)એ ભારતીય બજારોમાં રૂ. 18,589 કરોડ ઠાલવ્યા હતા.
