મુંબઈઃ તેલંગણા રાજ્ય સરકારે ગ્લોબલલિંકર સાથે મળીને BSE સાથે સમજૂતી કરાર કર્યો છે. સમજૂતી કરાર હેઠળ BSE લિસ્ટિંગના લાભ અને મહત્ત્વ અંગે તેલંગણા રાજ્યના MSMEsમાં જાગૃતિ લાવવા માટેનો ટેકો પૂરો પાડશે.
રાજ્યમાં MSMEsના ડિજિટલાઈઝેશન માટે તેલંગણા સ્ટેટ ગ્લોબલલિંકર પોર્ટલની સ્થાપના કરી હતી. રાજ્યમાં MSMEsના વિકાસને વેગ આપવા તેલંગણા સરકાર પોર્ટલને ફ્રી ઈ કોમર્સ સ્ટોર, પેમેન્ટ ગેટવે અને અન્ય લોજિસ્ટિક્સ પૂરું પાડે છે, જેથી ખરીદદારો અને વેચાણકર્તાઓ એકબીજાનો સંપર્ક કરી શકે.
તેલંગણા રાજ્યના મુખ્ય સચિવ જયેશ રંજને આ પ્રસંગે કહ્યું કે અમે BSE સાથે ભાગીદારી કરવાનો હર્ષ છે. આ જોડાણ રાજ્યના MSMEsને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. રાજ્યે MSMEs કામગીરીનો વિસ્તાર કરી અન્યો માટે ઉદાહરણરૂપ બની રહે એ માટેની વિવિધ પહેલો કરી છે. અત્યારે તેલંગણાના બહુ થોડા MSMEs સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને અમે લિસ્ટેડ MSMEsની સંખ્યા વધારવા માગીએ છીએ.
ગ્લોબલલિંકરના સ્થાપક અને સીઈઓ સમીર વકીલે કહ્યું કે અમે SMEsના વેપારને વધારવા અને તેમને નફાકારક બનાવવા કટિબદ્ધ છીએ. આમ કરવા તેલંગણા રાજ્ય સરકાર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. SMEના વિકાસ માટે તેમને સરળતાથી મૂડી ઉપલબ્ધ થાય એ જરૂરી છે. BSE SME સાથેની ગોઠવણ તેલંગણા સ્ટેટ ગ્લોબલલિંકરના મેમ્બર્સને મૂડી એકત્ર કરવામાં અને તેમના વેપારના મેનેજમેન્ટને સુધારવામાં સહાયક બનશે.
BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે કહ્યું કે તેલંગણા રાજ્યના MSMEs રાજ્યના આર્થિક વિકાસમાં મહત્ત્વનો રોલ અદા કરે છે. રોજગારી ક્ષેત્રમાં તેમનું યોગદાન મહત્ત્વનું છે. MSMEs માટે વૈકલ્પિક મૂડી સ્રોતો મર્યાદિત છે તેને કારણે તેમણે ડેટ પર વધુ નિર્ભર રહેવું પડે છે પરિણામે તેમના મૂડી માળખા અને કેશ ફ્લોને વિપરીત અસર થાય છે. આ જોડાણથી રાજ્યના MSMEsને ઈક્વિટી ફાઈનાન્સ પ્રાપ્ત કરવાની તક ઉપલબ્ધ થશે, જેના વડે તેઓ તેમના વેપારને વિસ્તારી શકશે.