બુલેટ-ટ્રેન પ્રોજેક્ટમાં L&Tને મળ્યો 25,000 કરોડનો કોન્ટ્રાક્ટ

નવી દિલ્હીઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટ્રુબ્રો (L&T) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી ઓછી બોલી લગાવનાર કંપની તરીકે ઊભરી આવી છે. રૂ. 24,985 કરોડના કરારમાં L&T સૌથી મોટા સિવિલ કરાર મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. L&T સાથે બે અન્ય કંપનીઓ રેસમાં છે. L&T અમદાવાદથી મુંબઈ સુધીના 508 કિલોમીટરની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવતા 237 કિલોમીટરના પૂલની ડિઝાઇન અને બાંધકામ માટેના ટેન્ડરમાં L&T સૌથી ઓછી બોલી લગાવનાર કંપની છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ રેલવે પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે, જેને જાપાનના સહયોગથી બનાવવામાં આવી રહ્યો છે.

NHSRCLએ કહ્યું હતું કે આ ટેન્ડર હેઠળ કુલ સાત કંપનીઓ મળીને ત્રણ ટેન્ડર જમા કર્યાં હતાં. એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇરકોન ઇન્ટરનેશનલ અને જેએમસી પ્રોજેક્ટ્સ ઇન્ડિયાએ સાથે મળીને ટેન્ડર ભર્યું હતું. એ જ રીતે NCC-ટાટા પ્રોજેક્ટ-જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટસ, HSRએ સાથે મળીને ટેન્ડર ભર્યું હતું. લાર્સન એન્ડ ટુબ્રોએ એકલીએ જ ટેન્ડર ભર્યું હતું.

 83 ટકા જમીન હસ્તગત

આ 237 કિમી લાંબા કોરિડોરમાં 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ આવશે. આ જગ્યા ગુજરાતમાં છે, જ્યાં 83 ટકાથી વધુ જમીન હસ્તગત થઈ ચૂકી છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું હતું કે માર્ચ, 2020થી પહેલાં ભૂમિ હસ્તાંતરણનું કામ પૂરું થઈ જવાનું હતું, પણ મહારાષ્ટ્રમાં કેટલીક અડચણોને કારણે એ નથી થઈ શક્યું. આ પૂરો પ્રોજેક્ટ 508 કિમીનો છે, જેનો આશરે 349 કિમી હિસ્સો ગુજરાતમાં છે.

237 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ  

આ ટેન્ડર હેઠળ વાપી (મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે જરોલી ગાંવ) અને વડોદરાની વચ્ચે 237 કિમી લાંબા કોરિડોરનું બાંધકામ થવાનું છે. આમાં ચાર સ્ટેશન- વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ સામેલ છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનો કુલ ખર્ચ રૂ. 1.08 લાખ કરોડ છે અને એના માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી ફન્ડિંગ કરી રહી છે.

વર્ષ 2019માં રેલવેપ્રધાન પીયૂષ ગોયલે રાજ્યસભાને જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે જાપાનથી 24 બુલેટ ટ્રેનો ખરીદવામાં આવશે. જ્યારે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે 24 બુલેટ ટ્રેન્સમાંથી છ ભારતમાં એસેમ્બલ કરવાની યોજના છે.