નવી દિલ્હીઃ ટેક કંપનીઓના કર્મચારીઓ માટે વર્ષ 2023નો પ્રારંભ સારો નથી રહ્યો. વર્ષના પહેલા 15 દિવસમાં 91 કંપનીઓએ 24,000થી વધુ ટેક્નિકલ કર્મચારીઓની છટણી કરી છે. જે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસવાના સંકેત છે. મેટા, એમેઝોન, સેલફોર્સ અને કોઇનબેઝ અને અન્ય વેબસાઇટના આશરે 24,151 ટેક કર્મચારીઓએ નોકરીઓમાંથી હાથ ધોવા પડ્યા છે.
દેશમાં ઓલાએ જાન્યુઆરીમાં 200 કર્મચારીઓની છટણી કરી હતી અને વોઇસ ઓટોમેટેડ સ્ટાર્ટઅપ Skit.ai જેવી કંપનીઓ જાન્યુઆરીમાં ન્યૂઝમાં રહી હતી. ગયા વર્ષના ડિસેમ્બરમાં 17,000થી વધુ ટેક કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. રોગચાળાના પ્રારંભ પછી મેટા, ટ્વિટર, ઓરેકલ, નિવિદિયા, સ્નેપ, ઉબેર સ્પોર્ટિફાય અને સેલફોર્સ જેવી કંપનીઓએ 1,53,110 કર્મચારીઓની છટણી કરી હતી.
કર્મચારીઓની છટણીનો માર નવેમ્બરમાં સૌથી વધુ રહ્યો હતો, જેમાં 51,489 ટેક કર્મચારીઓએ નોકરીઓમાંથી હાથ ધોવા પડ્યા હતા. ગૂગલ વર્ષ 2023ના પ્રારંભે કર્મચારીઓની સંખ્યામાં ભારે કાપ કરે એવી શક્યતા છે. એટલા માટે ગૂગલ કેટલાંક મોટાં પગલાં ઉઠાવી શકે છે.
ધ ઇન્ફોર્મેશનના અહેવાલ અનુસાર આશરે છ ટકા ગૂગલના કર્મચારીઓને પર્ફોર્મન્સને આધારે છટણી કરે એવી શક્યતા છે. એક અંદાજ મુજબ 2023માં ગૂગલ 11,000થી વધુ કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે. જેથી વર્ષ 2023 ટેક ઇન્ડસ્ટ્રી માટે એક ખરાબ સાબિત થાય એવી શક્યતા છે.