મુુંબઈઃ પનામા અને પેરાડાઈઝ પેપર્સ મામલે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટૂંકસમયમાં કોઈ કાર્યવાહી કરી શકે છે. ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટના પેરાડાઈઝ પેપર્સ રૂપે ફાઈનાન્શિયલ ડેટા લિકમાં જે ભારતીયોના નામ સામે આવ્યાં છે તેના ટેક્સ એડવાઈઝર્સ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતાનો સકંજો કસી શકે છે.
જો કે ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢીયાએ આ મામલે પોતાનું કોઈ મંતવ્ય આપ્યું નહોતું. અઢીયાએ તેમને એક સંસ્થા દ્વારા મોકલાવાયેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે તપાસ મામલે અમે પ્રક્રિયાઓનો ખુલાસો ન કરી શકીએ જે શરૂ કરવામાં આવી છે. અમે સવાલોના મુદ્દાસર ન આપી શકીએ. જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારે અમે આપને જણાવી શકીશું કે કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યાં છે.
સરકાર ગતવર્ષે લાગુ કરવામાં આવેલા ઈનકમ ટેક્સ પ્રોવિઝનની મદદ લઈ શકે છે કે જે રેવન્યૂ ઓથોરિટીઝને ટેકસ ચોરીમાં મદદ કરનારા અથવા તો તેની સાથે સંબંધિત મામલે સલાહ આપનારાઓ પર પણ એક્શન લેવાનો અધિકાર આપે છે. નેતાઓ, વ્યાપારીઓ અને ફિલ્મ જગતની હસ્તીઓ સહિત 700 જેટલા ભારતીયોના નામ પણ પનામા પેરેડાઇઝ ડેટા લીકમાં સામે આવ્યાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ટેક્સ લો અંતર્ગત થોડા સમય પહેલાં પાસ કરવામાં આવેલા એક સેક્શનની મદદ લેવા પર વિચાર થઈ રહ્યો છે. આ કાયદા અંતર્ગત સલાહકારોને સેક્શન 277 અંતર્ગત ગાળીયો કસી શકાય છે.