શેરબજારમાં 8 દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 105 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત 8 દિવસની એકતરફી તેજીને બ્રેક વાગી હતી. આગામી ગુરુવારે નવેમ્બર ફ્યુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ હોવાથી અને આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઢીલા હતા. પરિણામે તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે ઉભા લેણ સુલટાવવા માટે વેચવાલી કાઢી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 105.85(0.31 ટકા) ઘટી 33,618.59 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 29.30(0.28 ટકા) ઘટી 10,370.25 બંધ થયો હતો.

આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ હેવીવેઈટ શેર જેવા કે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, ઓએનજીસી, એસબીઆઈ અને આઈટીસીમાં વેચવાલી આવી હતી. અનિલ અંબાણીની રીલાયન્સ કોમ્યુનિકેશન સામે 11,570 કરોડ રૂપિયાની લોન સામે ચાઈના ડેવલપમેન્ટ બેંકે આરકોમની વિરુદ્ધમાં એનસીએલટીમાં કેસ દાખલ કર્યો છે. આ સમાચાર પાછળ આરકોમના શેરનો ભાવ 9.42 ટકા તૂટી રૂ.12.20 બંધ રહ્યો હતો.

  • આગામી ગુરુવારે નવેમ્બર ફયુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે.
  • નિફટીના 50 શેરમાંથી 31 સ્ટોકના ભાવ ઘટ્યા હતા, અને 19 સ્ટોકના ભાવ મજબૂત બંધ રહ્યા હતા.
  • સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 427 કરોડનું વેચાણ કર્યું હતું અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂ.69 કરોડની ખરીદી કરી હતી.
  • આજે બેંક, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડ્યુરેબલ, ફાર્મા, આઈટી, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • જ્યારે ઓટો સેકટરના શેરોમાં લેવાલીનો ટેકો હતો.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 16.54 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 49.73 પ્લસ બંધ હતો.
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરોઃ ઝી એન્ટરટેઈન્મેન્ટ(1.98 ટકા), મારૂતિ સુઝુકી(1.36 ટકા), એશિયન પેઈન્ટ(1.25 ટકા), ઈન્ડુસઈન્ડ બેંક(1.06 ટકા) અને કૉલ ઈન્ડિયા(0.99 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરોઃ ભારતી ઈન્ફ્રાટેલ(2.26 ટકા), ઓરોબિન્દો ફાર્મા(1.92 ટકા), એનટીપીસી(1.91 ટકા), સન ફાર્મા(1.52 ટકા) અને ઓએનજીસી(1.52 ટકા).