આધાર વગર એમેઝોનને ખોવાયેલા પાર્સલ શોધવામાં મુશ્કેલી

નવી દિલ્હીઃ સરકારી બાદ હવે પ્રાઈવેટ સર્વિસીઝ માટે પણ આધાર લિંકિંગની જરૂર પડવા લાગી છે. દેશમાં ઈ-કોમર્સ સેક્ટરની મોટી કંપની એમેઝોન ઈંડિયા પોતાના ગ્રાહકો પાસેથી તેમના એમેઝોન એકાન્ટને આધાર સાથે લિંક કરવાનું કહી રહી છે. એમેઝોનનું કહેવું છે કે તેમની વેબસાઈટ પર આધાર નંબર અપલોડ કરવાથી કોઈ નવા પેકેજને સરળતાથી શોધી શકાશે.

એમેઝોન પોતાના ગ્રાહકોને જણાવી રહ્યું છે કે જો આધારની કોપી વેબસાઈટ પર અપલોડ ન કરવામાં આવી તો કોઈ સમસ્યા થાય તો તેનું સમાધાન લાવવામાં વાર લાગશે. એમેઝોનનુ આ પગલું એવા સમયે સામે આવ્યું કે જ્યારે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ, સબસિડી અને સરકારી સેવાઓ પ્રાપ્ત કરવા માટે 12 આંકડાનો આધાર નંબર અલગ અલગ પ્લેટફોર્મ સાથે લીંક કરવાનું કહી રહી છે. સરકારના આ આદેશની વ્યાપક ટીકાઓ પણ થઈ રહી છે અને સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એમેઝોનના આ નિર્ણય બાદ એરબીએનબી, ઉબર અને ઓલા જેવી મોટી કંપનીઓ પણ ગ્રાહકોને પોતાની સર્વીસ પ્રાપ્ત કરવા માટે આધારને જરૂરી કરવાના રસ્તાઓ શોધી રહી છે. આ પહેલા માઈક્રોસોફ્ટે ફેબ્રુઆરી મહિનાથી જ ભારતીયોને સ્કાઈપ લાઈટ યુઝ કરવા માટે આધાર ઓથેંટિકેશનને મેન્ડેટરી બનાવી દિધું છે.