મુંબઈમાં ટાટા નેક્સનની EV કાર આગમાં સળગી ગઈ

મુંબઈઃ ભારતની નવી જ ઉભરી રહેલી ઈલેક્ટ્રિક-પેસેન્જર કાર માર્કેટમાં પહેલી જ વાર એક ચોંકાવનારો બનાવ બન્યો છે. ટાટા નેક્સનની ઈલેક્ટ્રિક કાર ગઈ કાલે સાંજે મુંબઈમાં એક સ્થળે આગમાં સળગી ગઈ હતી. વિવિધ બ્રાન્ડના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગ્યાની ઘટનાઓ તો અનેક વાર બની છે, પરંતુ ઈ-કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ હોવાનો આ પહેલો જ બનાવ બન્યો છે.

ટાટા મોટર્સ કંપનીએ કહ્યું છે કે તે આ બનાવમાં તપાસ કરાવી રહી  છે અને સલામતીના તમામ પાસાંને આવરી લેવા વિશે કંપની પ્રતિબદ્ધ છે.

આગમાં સળગી ગયેલી ટાટા નેક્સન EVના માલિકે આ કાર બે મહિના પહેલા ખરીદી હતી. સદ્દભાગ્યે એમને કોઈ ઈજા થઈ નથી. પોતાની કારમાંથી આગની જ્વાળા નીકળી દેખાઈ કે તરત જ એમણે કંપનીના કોલ સેન્ટરમાં જાણ કરી હતી. કોલ સેન્ટર તરફથી એમને સલાહ આપવામાં આવી હતી કે તેઓ એમની કારને તાત્કાલિક ત્યાં જ છોડી દે. અમુક જ મિનિટ બાદ તેમની કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ભારતમાં ઈ-પેસેન્જર કારની માર્કેટમાં હાલ ટાટા મોટર્સ મોખરે છે અને એની ઈ-નેક્સન બેસ્ટ-સેલર છે. આગની ઘટનાથી ટાટા કંપનીને આંચકો લાગ્યો છે. આ મોડેલને તેણે 2020ના જાન્યુઆરીમાં વેચાણમાં મૂક્યું હતું.