ટાટા ટેક્નોલોજીનું રેકોર્ડ લિસ્ટિંગઃ 8 IPOમાં નોંધપાત્ર વળતર

નવી દિલ્હીઃ ટાટા ટેક્નોલોજીએ ગુરુવારે ટ્રેડિંગ ડેબ્યુમાં 180 ટકાની છલાંગ લગાવી હતી. ટાટા ગ્રુપની પહેલી કંપની ટાટા ટેક્નોલોજી ગુરુવારે ટોચના 10 સક્રિય શેરોમાંનો એક હતો. સવારે એક કલાકના ટ્રેડિંગમાં 23.98 લાખ શેરોના ટ્રેડિંગ થયાં હતાં. કંપની ઓટો, એરો અને ભારે મશીનરી ઉત્પાદકોને એન્જિનિયિરિંગ અને ટેક્નોલોજી સર્વિસિસ આપે છે. આ IPOની ઇશ્યુ પ્રાઇસ રૂ. 500 હતી, પણ સવારે ખૂલતાં એની કિંમત રૂ. 1200એ પહોંચી હતી. ત્યારે એ વધીને રૂ. 1400 થઈ હતી. આ શેર ટ્રેડિંગ સેશનને અંતે રૂ. 1326.70 બંધ આવ્યો હતો. આ શેરનું NSE પર માર્કેટ કેપ રૂ. 53.82 લાખ રહ્યું હતું.

રોકાણકારોએ આ IPOને 69.43 વધુ સબસ્ક્રાઇબ કર્યો હતો. જે હાલમાં આવેલા IPOમાં સૌથી વધુ હતો.  ટાટા ટેકના શેર લિસ્ટ થતા IPOના રોકાણકારો માલામાલ થયા હતા. કંપનીના IPOનું કદ 3042 કરોડ હતું, જેની સામે કંપનીને રેકોર્ડ 1.50 લાખ કરોડથી વધુ અરજીઓ મળી હતી. રિટેલ ઇન્વેસ્ટરોનો ક્વોટા 16 ગણો અને QIBનો નિયત ક્વોટ 203 ગણો ભરાયો હતો. ગ્રુપનો 19 વર્ષમાં આ પહેલો IPO હતો.

વર્ષ 2023માં અત્યાર સુધી IPO માર્કેટમાં સ્ટોક માર્કેટે રેકોર્ડ બનાવ્યા છે. છેલ્લા 11 મહિનામાં IPOમાં 48 શેરોનાં લિસ્ટિંગ થઈ ચૂક્યા છે, એમાં માત્ર ચાર જ IPOમાં રોકાણકારોને નુકસાન થયું છે, જ્યારે 44 એટલે કે આશરે 92 ટકા IPOએ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. એમાંથી આઠ  IPOમાં રોકાણકારોને 100 ટકા વળતર પ્રાપ્ત થયું છે. એમાં કેટલાક IPO 50થી 96 ટકા રિટર્ન આપ્યું છે.