મુંબઈઃ ટાટા સન્સે બજેટ કેરિયર એરએશિયા ઇન્ડિયા (AAI)પોતાનો હિસ્સો વધારીને 83.67 ટકા કર્યો છે. કંપનીએ એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ લિ. (AAIL) પાસેથી વધારાનો 32.67 ટકા હિસ્સો $37.66 મિલિયન (રૂ. 276.10 કરોડમાં)માં ખરીદ્યો છે. હાલમાં AAIL મલેશિયાસ્થિત એરએશિયાની સંપૂર્ણ સબસિડિયરી કંપની છે, બેંગલુરુસ્થિત એરએશિયા 49 ટકા હિસ્સો ધરાવે છે અને એમાં ટાટા સન્સનો હિસ્સો 51 ટકા હતો, પરંતુ હવે કંપનીમાં ટાટા સન્સનો હિસ્સો વધીને 83.67 ટકા થયો છે.હવે એરએશિયા બેરહાડનો હિસ્સો માત્ર 16.33 ટકા રહી ગયો છે. કંપની એ 16.33 ટકા હિસ્સો વેચવા માટે બે તબક્કામાં પુટ ઓપ્શન લાવશે. AAIL અને તાતા સન્સે 29 ડિસેમ્બરે શેર-પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યો હતો. એરએશિયા ઇન્ડિયાને જૂન,2014માં તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ઇન્ડિયન કેરિયર્સમાં 49 ટકાના મૂડીરોકાણની મંજૂરી સાથે સ્થાનિક માર્ગો પર ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીને થયેલા નુકસાન ટ્રાન્ઝેક્શનની તારીખે નિલ (ઝીરો) થયું હતું.
એરએશિયા બેરહાડ 16.33 ટકા હિસ્સો 1 માર્ચ, 2022થી 30 મે, 2022ની વચ્ચે પુટ ઓપ્શનનો પહેલો તબક્કો અને 1 ઓક્ટોબર, 2022થી 31 ડિસેમ્બર, 2022 દરમ્યાન બીજો તબક્કો વેચશે. કંપનીએ આ પુટ ઓપ્શનના વેચાણથી 18.83 મિલિયન ડોલર એટલે કે રૂ. 138.27 કરોડ હાંસલ થશે. કંપનીએ કહ્યું છે કે ટાટા સન્સ 31 માર્ચ, 2021 પહેલીં સોદો પૂરો નહીં કરે તો શેર પર્ચેઝ એગ્રીમેન્ટ રદ કરવામાં આવશે.