US  ફેડના ધિરાણ-નીતિ આકરી કરવાના સંકેતોએ શેરોમાં વેચવાલી

અમદાવાદઃ US ફેડના ચેરમેન દ્વારા આગામી સમયમાં પણ ધિરાણ નીતિને વધુ આકરી બનાવવાના સંકેતો પછી વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ મંદીતરફી થયું હતું. જેની સીધી પ્રતિકૂળ અસર ભારતીય બજારો પર પડી હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 861.25 પોઇન્ટ તૂટીને 57,972.62ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 17,350ની સપાટી તોડીને 246 પોઇન્ટ તૂટીને 17,312.90ની સપાટીએ બંધ રહ્યો હતો.

કરન્સી માર્કેટમાં પણ અમેરિકી ડોલર સામે રૂપિયો પ્રારંભમાં જ 31 પૈસા વધુ તૂટીને 80.15એ પહોંચ્યો હતો. વળી, US ફેડના વડાના મોંઘવારીના નિવેદન પછી ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે ક્રૂડની કિંમતોમાં પણ તેજીને પગલે ડોલર સામે રૂપિયો વધુ તૂટ્યો હતો. જોકે ટ્રેડિંગ સેશનને અંતે ડોલર સામે રૂપિયો નવ પૈસા તૂટીને 79.96 થયો હતો.સ્થાનિક શેરબજારોમાં મેટલ બેન્કિંગ, રિયલ્ટી સહિત મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સના 30માંથી 22 શેરમાં વેચવાલી થઈ હતી, જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેરો ઘટીને બંધ રહ્યા હતા. FMCG ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા.

વૈશ્વિક સંકેતોને કારણે સપ્તાહના પ્રારંભે શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી, જેથી રોકાણકારોના રૂ. બે લાખ કરોથી વધુ સ્વાહા થયા હતા. ઇન્ડિયા VIX આશરે નવ ટકા વધીને 19.82 થયો હતો. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા સેશનના રૂ. 276.96 લાખ કરોડથી ઘટીને રૂ. 274.67 લાખ કરોડ થયું હતું.