સતત પાંચમા દિવસે શેરબજારમાં ઘટાડોઃ સેન્સેક્સ 663 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં નરમાઈતરફી વલણ રહ્યું હતું. FIIની વેચવાલી, કંપનીઓનાં બીજા ત્રિમાસિક ગાળાના અપેક્ષા કરતા ઊણાં ઊતરતાં પરિણામો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો આગલ વધ્યો હતો. રોકાણકારોએ રૂ. 6.36 લાખ કરોડ ગુમાવ્યા હતા.

સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા હતા. નિફ્ટી FMCG અને નિફ્ટી હેલ્થકેર સિવાય 11 સેક્ટોરિયલ ઇન્ડેક્સ તૂટ્યા ગતા. 27 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સેન્સેક્સ 6500 પોઇન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે 2100 પોઇન્ટનું કરેક્શન જોવા મળ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 662.87 પોઇન્ટ તૂટીને 79,402.29ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 218.60 પોઇન્ટ ઘટીને 24,180.80ના સ્તરે બંધ થયો હતો. ડિસેમ્બર, 2022 પછી નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ માટે સૌથી ખરાબ સપ્તાહ રકહ્યું હતું.છેલ્લા એક મહિનામાં મિડકેપ અને સ્મોલકેપમાં 50 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.વિદેશી રોકાણકારો છેલ્લા ઘણા સમયથી વેચવાલ રહ્યા છે. ગઈ કાલે FIIએ 24 ઓક્ટોબરે રૂ. 5062 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. આ મહિને FII અત્યાર સુધી રૂ. એક લાખ કરોડ કરતાં વધુની વેચવાલી કરી ચૂક્યા છે.

બજારમાં 27 સપ્ટેમ્બરથી આવેલા ઘટાડામાં છેલ્લા એક મહિનામાં રૂ. 40 લાખ કરોડ ડૂબ્યા છે. આ સમયગાળામાં નિફ્ટી અને સેન્સેક્સ એના ટોચથી આઠ ટકા, બેન્ક નિફ્ટી સાત ટકા, મિડકેપ 100 ઇન્ડેક્સ નવ ટકા અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ આઠ ટકા તૂટી ચૂક્યા છે.