મુંબઈ – ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન સ્પાઈસજેટ તેની વિમાનપ્રવાસ કામગીરીઓનું વિસ્તરણ કરી રહી છે અને હાલ બંધ પડી ગયેલી જેટ એરવેઝના પાઈલટ્સ તથા કેબિન ક્રૂ સભ્યો સહિત 2000 જેટલા કર્મચારીઓને રોકવાની છે.
કરોડો રૂપિયાના દેવાને કારણે આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ ગયા એપ્રિલથી કામચલાઉ રીતે બંધ છે. સ્પાઈસજેટે એવા ઓછામાં ઓછા 22 વિમાન ખરીદ્યા છે જેનો ઉપયોગ અગાઉ જેટ એરવેઝ કરતી હતી.
સ્પાઈસજેટના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અજય સિંહે એક મુલાકાતમાં કહ્યું છે કે અમે જેટ એરવેઝનાં ઘણા કર્મચારીઓને રોક્યા છે. તેઓ ઘણા ક્વાલિફાઈડ અને પ્રોફેશનલ વ્યક્તિઓ છે. અમે આવનારા દિવસોમાં જેટમાંથી વધારે કર્મચારીઓને લેવાના છીએ.
સ્પાઈસજેટ અત્યાર સુધીમાં જેટના 1,100 કર્મચારીઓને તો પોતાને ત્યાં સમાવી ચૂકી છે અને આ સંખ્યા 2000 સુધી પહોંચવાની છે. એમાં પાઈલટ્સ, કેબિન ક્રૂ, સિક્યુરિટી વગેરે વિભાગનાં કર્મચારીઓનો સમાવેશ થાય છે.
સ્પાઈસજેટનો સ્ટાફ હાલમાં આશરે 14,000નો છે અને એની પાસે 100 જેટલા વિમાનોનો કાફલો છે.
100 વિમાન ધરાવનનાર સ્પાઈસજેટ દેશની ચોથી એરલાઈન છે. ટોચની ત્રણ છે – એર ઈન્ડિયા, જેટ અને ઈન્ડીગો.
સ્પાઈસજેટ પાસે બોઈંગ 737, બોમ્બેર્ડિયર Q-400 અને B737 ફ્રેઈટર્સ (કાર્ગો) વિમાનો છે.
સ્પાઈસજેટ દરરોજ 62 શહેરો ખાતે 575 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. આમાં 9 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો પણ સમાવેશ થાય છે.