નવી દિલ્હી: ગત શુક્રવારના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં દેશની ટોચની 10માંથી 6 કંપનીઓના રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 98,502 કરોડ રૂપિયાનો વધારો થયો. હક્કીકતમાં ગત સપ્તાહે આ કંપનીઓની માર્કેટકેપ 98,502.47 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
બજારમાં તેજીનો સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને થયો છે. TCS ઉપરાંત પાંચ કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) , HDFC બેંક, હિન્દુસ્તાન યૂનિલીવર (HUL), કોટક મહિન્દ્રા બેંક અને ICICI બેંકની માર્કેટ કેપમાં વધારો થયો હતો.
ગત સપ્તાહે બે જાહેર રજાઓને કારણે માત્ર 3 દિવસ જ શેર બજાર ચાલુ રહ્યું હતું, જેમાં સેન્સેક્સ 373.17 અથવા તો 0.96 ટકાના વધારા સાથે 39,140 પર બંધ થયો હતો. ITC, HDFC, ઈન્ફોસિસ અને ભારતીય સ્ટેટ બેંકના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ટીસીએસની માર્કેટ કેપ 49,437.67 કરોડ રૂપિયાથી વધીને 8,05,074.14 કરોડ રૂપિયા પર પહોંચી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 25,957.18 કરોડ રૂપિયાથી વધીને 8,76,585.81 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી.
ખાનગી ક્ષેત્રની દિગ્ગજ બેંક એચડીએફસીનું માર્કેટ વેલ્યુએશન 6,808.26 કરોડ રૂપિયાથી વધીને 6,23,678.06 કરોડ રૂપિયા થઈ ગયું. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટકેપ 6,739.51 કરોડ રૂપિયાથી વધીને 2,61,018.37 કરોડ રૂપિયા પર પહોંચી ગયું.
અન્ય પ્રમુખ ખાનગી બેંકોમાં કોટક મહિન્દ્રા બેંકની માર્કેટકેપમાં 5,966.44 કરોડ રૂપિયાનો વધારો થયો. FMCG ક્ષેત્રની દિગ્ગજ હિન્દુસ્તાન યૂનિલીવરનું માર્કેટકેપ 3,593.41 કરોડ રૂપિયાથી વધીને 3,76,106.57 કરોડ રૂપિયા થયું.
જો કે, દિગ્ગજ આઈટી ફર્મ ઈન્ફોસિસની માર્કેટકેપ 13,740.3 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 3,12,990.25 કરોડ રૂપિયા રહી હતી. ભારતીય સ્ટેટ બેંકનું માર્કેટકેપ 3,968.82 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 2,77,466.17 કરોડ રહ્યું.
માર્કેટકેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હજુ પણ પહેલા ક્રમ પર છે. ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાન પર રહી છે. ચોથા અને પાંચમાં સ્થાન પર ક્રમશ: એચયૂએલ અને આઈટીસીનો સમાવેશ થાય છે. છઠ્ઠા સ્થાન પર એચડીએફસી અને સાતમાં સ્થાન પર ઈન્ફોસિસનો સમાવેશ થાય છે. અંતિમ ત્રણ સ્થાન પર ક્રમશ: ભારતીય સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે. ગત સપ્તાહે બુધવારે મહાવીર જયંતી અને શુક્રવારે ગુડ ફ્રાઈડેની જાહેર રજાને કારણે શેર બજાર બંધ રહ્યું હતું.