પુણેઃ બ્રિટનની ઓક્સફર્ડ કોવિડ-19 રસીની અજમાયશમાં એક સ્વયંસેવક તરીકે ભાગ લેનાર ચેન્નાઈના રહેવાસીએ એવો આરોપ મૂક્યો છે કે આ રસી લીધા બાદ એના શરીરમાં આડઅસરો ઊભી થઈ છે અને એણે તે માટે પાંચ કરોડ રૂપિયાના વળતર માટે નોટિસ મોકલી છે. પરંતુ આ રસીના ત્રીજા તબક્કાની અજમાયશનું સંચાલન કરનાર પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે આ આરોપ બદઈરાદાભર્યો અને ખોટો છે. સંસ્થાએ કહ્યું છે કે તે રૂ. 100 કરોડના વળતરનો દાવો કરશે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ તૈયાર કરી છે. ઓક્સફર્ડની આ રસીના ઉત્પાદન માટે બ્રિટિશ-સ્વિડીશ બાયોફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રા-ઝેનેકા અને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટે ભાગીદારી કરી છે.
ચેન્નાઈસ્થિત તે સ્વયંસેવકે ગઈ 29 સપ્ટેમ્બરે રસીની ટ્રાયલ માટે સ્વયંસેવક બનવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ 1 ઓક્ટોબરે એને ચેન્નાઈની શ્રી રામચંદ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યૂકેશન એન્ડ રિસર્ચ ખાતે રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. એણે એવો આરોપ મૂક્યો છે કે એને મગજને લગતી તકલીફ થઈ છે. પહેલા 10 દિવસ સુધી એને કોઈ આડઅસર થઈ નહોતી, પણ ત્યારબાદ માથામાં ખૂબ દુખાવો ઉપડ્યો હતો અને ઊલટી થઈ હતી. તે સ્વયંસેવક 40 વર્ષનો છે અને એક બિઝનેસ કન્સલ્ટન્ટ છે.
એક નિવેદનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયએ જણાવ્યું છે કે સ્વયંસેવક પોતાની તબીબી સમસ્યાઓ માટે કોવિડ રસી ટ્રાયલ પર ખોટી રીતે આરોપ મૂકે છે. સ્વયંસેવકની તબીબી અવસ્થા પ્રતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સહાનુભૂતિ ધરાવે છે, પણ રસીની ટ્રાયલ અને સ્વયંસેવકની તબીબી અવસ્થા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. મેડિકલ ટીમે એને કહ્યું હતું કે તે એને જે તબીબી સમસ્યા ઊભી થઈ છે એ અલગ પ્રકારની છે અને રસીની ટ્રાયલને કારણે થઈ નથી. તે છતાં એણે જાહેરમાં ઉહાપોહ કરવાનું અને કંપનીને બદનામ કરવાનું પસંદ કર્યું. હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ માટે રૂ. 100 કરોડથી વધુનો માનહાનિનો દાવો કરશે અને આ પ્રકારના બદઈરાદાભર્યા દાવાઓનો સામનો કરશે.