નાણાપ્રધાને શનિવારે રજૂ કરેલા બજેટમાં બજાર માટે બહુ મોટી પ્રોત્સાહક જાહેરાતો નહોતી કરી, પરંતુ બજેટમાં બજાર માટે કોઈ નકારાત્મક જોગવાઈ પણ નહોતી. જેથી તેજીવાળાઓએ બેન્ક, મેટલ, ઓટો, આઇટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં જોરદાર ખરીદદારી કરી હતી.
વૈશ્વિક માર્કેટો, એશિયન બજારો અને યુરોપિયન માર્કેટ પણ તેજી હતા. ક્રૂડ ઓઇલની કિંમતો પણ નીચી છે, ત્યારે બજારમાં આગઝરતી તેજી થઈ હતી. વળી, જાન્યુઆરી પીએમઆઇ પણ આઠ વર્ષના ઊંચાઈ આવતા તેજીવાળાઓનું માનસ તેજીમય થયું હતું. તેમણે શેરોની જાતેજાતમાં લેવાલી કાઢી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધારો થયો હતો.
તેજીવાળાઓએ બજારમાં બજેટની પ્રતિકૂળ બાબતોને કોરાણે મૂકી હતી અને નવેવસરથી લેવાલી કાઢી હતી. વધારામાં, ઓટો કંપનીઓના જાન્યુઆરીના વેચાણના આંકડા તુલનાત્મક રીતે ઘણાં પ્રોત્સાહક છે અને કંપનીઓ માટે કોઈ પ્રતિકૂળ સમાચાર પણ નથી. જેથી રોકાણકારોએ શેરોમાં એકધારી તેજી કરી હતી.
બજેટ ડેએ થયેલું ધોવાણ રિકવર
સેન્સેક્સ અને નિફ્ટી ફરી પાછા બજેટ પહેલાંના સ્તરે પાછા ફરતાં શેરોમાં રૂ. 3.5 લાખ કરોડનું માર્કે કેપમાં થયેલું ધોવાણ રિકવર થયું છે.નાણાપ્રધાને બજેટની દરખાસ્તો વાંચી રહ્યા હતા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આશરે 32 શેરો 52 સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. જેમાં એફેલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, બાટા ઇન્ડિયા અને ડાબર ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
અર્થતંત્ર પહેલા ત્રિમાસિકથી પાટે ચઢશે
દેશમાં ચાલુ આર્થિક મંદીની બુમરાણ વચ્ચે અર્થતંત્ર માટે મોટા રાહતના સમાચાર છે. મોદી સરકારનું માનવું છેક અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ મજબૂત છે, સ્થિર છે. મોંઘવારીનો દર કાબૂમાં છે. અને જીડીપી ગ્રોથમાં નાણાકીય વર્ષ 2020-21થી સુધારો થવાની ધારણા છે.