ક્રૂડના ઊંચા ભાવ અને ડોલર સામે રૂપિયો નવા તળિયે આવી જતાં ગુરુવારે સવારથી જ શેરબજારમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી. આજે સવારે BSE સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ્સના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સાર્વત્રિક વેચવાલીને પગલે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 182.15 પોઈન્ટ્સ નીચે 10,666ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક રાહે આજે નીચે ગેપમાં ખૂલેલા શેરબજારમાં RBI આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરશે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ગભરાટ ફેલાયો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.07 ટકા અને 1.28 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ICICI બેન્ક, મારુતિ, એશિયન પેઈન્ટ્સ બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, યસ બેન્ક તેમજ BPCLના શેર્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકાના અર્થતંત્રમાં મજબૂતીને પગલે વિદેશી રોકાણનો પ્રવાહ ભારતીય શેરબજારમાંથી પરત ખેંચાઈ રહ્યો હોવાથી શેરબજારમાં ગભરાટભરી વેચવાલી શરૂ થઈ હતી. ક્રૂડ ઓઈલ મોંઘુ થતા તેમજ ડોલર સામે રૂપિયાની પીછેહઠને પગલે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયુ છે. તેમજ હજુ પણ આ ખાનાખરાબી ચાલુ રહે તેવા સંકેતો મળી રહ્યા છે. ભારતીય શેરબજારમાં આજે કડાકા સાથે શરૂઆત થઈ છે.
શરૂઆતી બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ટૂટીને 35,370ની સપાટીએ ખૂલ્યો હતો. જ્યારે ડોલર સામે રૂપિયામાં પણ સતત ચોથા દિવસે પણ ઘટાડો થયો હતો. આજે ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક નીચી સપાટીએ ખુલ્યો હતો. આજે એક ડોલરની ભારતીય કિંમત રૂ. 73.70 થઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થવાથી રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. આ સિવાય ઈમરજિંગ ઈકોનોમી સામે રહેલા પડકારોના કારણે પણ ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. અન્ય કરન્સીની સામે પણ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળી રહી છે. ડોલરમાં આવી રહેલી મજબૂતીના કારણે રોકાણકારો રોકાણથી અંતર રાખી રહ્યા છે. વેચવાલીના દબાણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર અંદાજે 5 ટકા ઘટ્યો હતો. ટીસીએસ અને હીરો મોટો કોર્પ 3 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. હિન્દુસ્તાન યૂનિલીવર, એડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે.
સેન્સેક્સમાં સામેલ 30માંથી 28 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. મોટાભાગના સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશનામા સામેલ થયા છે.ૉ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ મોનીટરી પોલિસી સમીક્ષા પહેલાં રોકાણકારો એલર્ટ થયા છે. કેન્દ્રીય બેન્ક શુક્રવારે વ્યાજદરની જાહેરાત કરી શકે છે. માનવામાં આવે છે કે, રેપો ર્ટમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે. ક્રૂડ ઓઈલ મોંઘુ થયું હોવાથી પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ 86 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું ચે. તે નવેમ્બર 2014 પછીનો સૌથી વધારે રેટ છે. અમેરિકી વ્યાજદરોમાં વધારો અને મોંઘાં બની રહેલાં ક્રૂડતેલને કારણે આર્થિક સ્થિતિ કથળી રહી છે.
દેશમાં ફુગાવાનો દર વધી રહ્યો છે તેથી રિઝર્વ બેન્ક આગામી આર્થિક સમીક્ષામાં પોલિસી રેટમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે. મજબૂત ડોલર અને ક્રૂડની વધતી જતી કિંમતો રૂપિયાને વધુ નબળો બનાવી રહી છે. ડીબીએસ બેન્કના ઇકોનોમિસ્ટ રાધિકા રાવ કહે છે કે નજીકના સમયમાં રૂપિયાની કિંમતમાં મજબુતાઈ જોવા મળે તેવી કોઈ સંભાવના નથી. આઈસીઆરએના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ અદિતિ નાયર કહે છે કે, ક્રૂડની કિંમતમાં થઈ રહેલો વધારો રૂપિયા પર વધુ દબાણ લાવશે અને આગામી સમયમાં રૂપિયો 73-75 વચ્ચે ફંગોળાતો રહેશે.