સેન્સેક્સ, નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં પ્રારંભિક તેજી પછી બજારનું સેન્ટિમેન્ટ મંદીમય થયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત પાંચમા દિવસે વેચવાલી જોવા મળી હતી. BSEના બધા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ અને ફાર્મા ઇન્ડેક્સ વર્ષના નીચલા સ્તરે બંધ થયા છે. રોકાણકારોના રૂ. પાંચ લાખ સ્વાહા થયા હતા.  સેન્સેક્સ ટ્રેડિંગ સેશનના અંતે 1046 પોઇન્ટ તૂટીને 51,496 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 332 પોઇન્ટ તૂટીને 15,361એ બંધ થયો હતો.

ટ્રેડર્સ અને રોકાણકારો માટે ખરાબ સમાચાર છે કે અમેરિકામાં ફુગાવાનો દર 40 વર્ષની ઊંચાઈ પહોંચ્યો છે, જેથી 2023નું વર્ષ મંદીમાં રહે એવી શક્યતા છે. ફેડરલ રિઝર્વએ તેની ધિરાણ નીતિ આકરી બનાવતાં મહત્ત્વના વ્યાજદરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. વળી, આ સપ્તાહે સેન્સેક્સમાં આશરે 4000 પોઇન્ટનું ગાબડું પડ્યું છે.શેરબજાર માટે વર્ષ 2022 અત્યાર સુધી ખરાબ રહ્યું છે. આ વર્ષે બજારમાં પહેલેથી જ વેચવાલીનું દબાણ રહ્યું છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટીમાં 11.5 ટકા અને 11 ટકાનું ગાબડું પડ્યું છે. આ દરમ્યાન BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 27 લાખ કરોડ ઘટી ગયું છે. જિયો પોલિટિકલ ટેન્શન, મોંઘવારી દરમાં ઉછાળો, રેપો રેટમાં વધારો અને વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી મુખ્ય કારણો રહ્યાં છે, જેણે બજારને નબળું બનાવ્યું છે.

આ વર્ષે અત્યાર સુધી સેન્સેક્સ આશરે 6654 પોઇન્ટ અને નિફ્ટી 1950 પોઇન્ટ તૂટ્યા છે. મિડકેપ ઇન્ડેક્સ 3535 પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 5090 પોઇન્ટ તૂટ્યા છે.