અમદાવાદઃ શેરબજારમાં વેચવાલીનો દોર જારી છે. ઘરેલુ બજારમાં સતત ચોથા દિવસે વેચવાલી જારી રહી હતી. નિફ્ટીએ 23,900ની સપાટી તોડી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.34 લાખ કરોડનો ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા. સૌથી વધુ ઘટાડો બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હતો.
યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મની છેલ્લાં 16 વર્ષમાં સૌથી નબળું પડ્યું છે. જર્મનીની સ્થિતિ2008ની મંદી પછી સૌથી વધુ ખસ્તા હાલત છે.ઓક્ટોબરમાં જર્મન કંપનીઓના ઓર્ડરમાં 42 ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ દેશમાં ફુગાવો ઓક્ટોબરમાં વધીને 6.21 ટકાએ પહોંચ્યો છે. જે RBIના લક્ષ્યાંક કરતાં વધુ છે. જે સપ્ટેમ્બરમાં 5.49 ટકાના સ્તરે હતો.
હવે રિઝર્વ બેન્ક આગામી ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે વ્યાજદરમાં કાપ કરશે, એની આશા ધૂંધળી બની છે. આમ બજારમાં હતાશ રોકાણકારોએ ભારે નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 820.97 તૂટીને 78,675ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી50 257.85 તૂટીને 23,883.45ના સ્તરે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4061 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1226 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2742 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 93 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 289 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 71 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.