સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના 2.5 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ ફેડ રિઝર્વની મીટિંગમાં લેવાયેલા નિર્ણયોના એલાન પહેલાં HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડ. અને ઇન્ફોસિસની આગેવાની હેઠળ શેરોમાં જોરદાર નફારૂપી વેચવાલી થઈ હતી, જેથી સેન્સેક્સ 67,000ની નીચે આવ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ 19,900ની સપાટી તોડી હતી. જોકે બજાર બંધ થતા સમયે નિફ્ટી 19,900એ બધ આવ્યો હતો. રોકાણકારોના ટ્રેડિંગ સેશનમાં આશરે 2.5 લાખ કરોડ ડૂબ્યા હતા. યુટિલિટી અને પાવર સિવાય બાકીના સેક્ટોરલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. કોમોડિટી, ફાઇનાન્શિયલ, મેટલ અને રિયલ્ટી શેરોમાં જોવા મળી હતી.

ભારત અને કેનેડા વચ્ચેના ટેન્શનને કારણે પણ બજારમાં વેચવાલી ફરી વળી હોવાનું કેટલાક રોકાણકારોનું માનવું છે, કેમ કે બંને દેશો વચ્ચે વેપારી સંબંધો પર અસર પડી શકે છે. ભારતીય ઈક્વિટી બજારમાં કેનેડા પેન્શન ફંડ દ્વારા મોટા પાયે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે બ્રેન્ટ ક્રૂડ પણ 10 મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું.સ્થાનિક બજારોમાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 796 પોઇન્ટ તૂટીને 66,800.84 બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 222.85 પોઇન્ટ તૂટીને 19,901.40ના મથાળે બંધ રહ્યો હતો.

રોકાણકારોના 2.34 લાખ કરોડ ડૂબ્યા

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને 320.66 લાખ કરોડ હતું, જે સોમવારે રૂ. 323 લાખ કરોડ હતું. આ રીતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે 2.34 લાખ કરોડ ઘટ્યું હતું.

BSE પર ઘટીને બંધ થનારા શેરોની સંખ્યા વધુ રહી છે. એક્સચેંજ પર કુલ 3803 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1555 શેરો વધીને બંધ રહ્યા હતા, ત્યારે 2103 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 145 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 198 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 19 શેરોએ 52 શેરોની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.