અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરબજારમાં ખૂલતાની સાથે શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેનાથી સેન્કેક્સ 1570 પોઇન્ટ અને નિફ્ટી 480 કરતાં વધુ પોઇન્ટ તૂટ્યા હતા. શેરબજારમાં પ્રારંભમાં રોકાણકારોના રૂ. સાત લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. બજાર ખૂલતાની 15 મિનિટોમાં 190 શેરોમાં નીચલી સરકિટ લાગી ગઈ હતી. બીએસઈનું માર્કેટ કેપ 7.33 લાખ કરોડથી ઘટીને રૂ. 202.29 લાખ કરોડે આવી ગયું હતું. શુક્રવારે એ રૂ. 209.63 કરોડે આવી ગયું હતું.
દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.70 લાખ કેસો નોંધાયા હતા અને 904 લોકોનાં મોત થયાં હતાં. જેથી દેશમાં આર્થિક કામકાજ ફરી એક વાર ખોરવાવાની શક્યતા અને અનેક રાજ્યોમાં લોકડાઉન લાગવાની શક્યતાને પગલે શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
બીએસઈ સેન્સેક્સે અતિ મહત્ત્વની 48,000ની સપાટી તોડી છે અને હાલ સેન્સેક્સ 1560.85 પોઇન્ટ તૂટીને 47,993.81ના મથાળે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી ઇન્ડેક્સ 489.70 પોઇન્ટ તૂટીને 14,345.15ના મથાળે ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં ટ્રેડિંગ સેશનમાં બેન્ક અને ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. આ સાથે બજારને આઇટી અને ફાર્મા શેરોમાં તેજીને લીધે સપોર્ટ મળ્યો હતો. આજે ટીસીએસના ચોથા ત્રિમાસિક ગાળાનાં પરિણામો સાથે બજારમાં કોર્પોરેટ પરિણામોના શ્રીગણેશ શરૂ થશે. જોકે કંપનીના શેરમાં સાધારણ દબાણ જોવા મળ્યું હતું.