નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન બનાવતી દિગ્ગજ કંપની સેમસંગ મોબાઇલ અને આઇટી ડિસ્પ્લે યુનિટને ચીનથી ભારત શિફ્ટ કરશે. આ યુનિટ દિલ્હીની બાજુમાં નોએડામાં સ્થાપિત કરવામાં આવશે. કંપની આ યુનિટ સ્થાપવા માટે રૂ. 4825 કરોડનું મૂડીરોકાણ કરશે. આ મેન્યુફેક્ચરિંગ યુનિટથી 510 લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે. એની સાથે અપ્રત્યક્ષ રૂપથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી હાંસલ થશે. સેમસંગ વિશ્વમાં ટીવી, મોબાઇલ ફોન, ટેબ્લેટ અને ઘડિયાળોમાં ઉપયોગમાં લેનારા 70 ટકાથી વધુ ડિસ્પ્લે પ્રોડક્ટ બનાવે છે. કંપનીની દક્ષિણ કોરિયા, વિયેતનામ અને ચીનમાં યુનિટ છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી ઉત્તર પ્રદેશની કેબિનેટની બેઠકમાં સેમસંગ ડિસ્પ્લે નોએડા પ્રાઇવેટ લિ. માટે વિશેષ પગલાંઓને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે સેમસંગનો ભારતમાં આ પહેલો હાઇ-ટેક્નિક પ્રોજેક્ટ છે. આ યુનિટ ચીનથી અહીં શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. ભારત વિશ્વમાં ત્રીજો દેશ હશે, જ્યાં આ પ્રકારનું યુનિટ હશે.
સેમસંગની નોએડામાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેનું ઉદઘાટન 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. કંપનીએ ત્યારે આ યુનિટમાં રૂ. 4915 કરોડના મૂડીરોકાણનું વચન આપ્યું હતું. આ વિશે સેમસંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. કંપની ભારતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટનું હબ બનાવવા માટે નવાં પગલાં લેવાની વિચારણા કરી રહી છે.