વિસ્ટ્રોન કંપનીમાં કર્મચારીઓએ સેલેરી મુદ્દે તોડફોડ કરી

બેંગલુરુઃ કર્ણાટકમાં બેંગલુરુની નજીક આઇફોનનું ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીઓએ પગાર સંબંધિત મુદ્દે શનિવારે ઓફિસમાં તોડફોડ કરી હતી. આ કર્મચારીઓ વિસ્ટ્રોન કોર્પોરેશનમાં કામ કરી રહ્યા હતા, જેનું મેઇન હેડ ક્વાર્ટર તાઇવાનમાં છે. કોલાર જિલ્લાના નરસાપુર ઓદ્યૌગિક ક્ષેત્રમાં સ્થિત કંપનીના કર્મચારીઓએ વેતન સંબંધી મુદ્દે પથ્થરમારો કર્યો હતો, જેથી બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. કર્મચારીઓએ કારો, ફર્નિચર, કોમ્પ્યુટર અને લેપટોપને નુકસાન પહોંચાડ્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.  ટ્રેડ યુનિયનના નેતાએ જણાવ્યું હતું કે કંપનીએ મોટા ભાગના કર્મચારીઓને પગાર નહોતો ચૂકવ્યો અને પગારમાં કાપને લઈ તેમની ચિંતાઓ હતી.

કર્મચારીઓ એ વાતે નારાજ હતા કે તેમને જોઇનિંગ વખતે જે પગારનો નક્કી કર્યો હતો, એ આપવામાં નહોતો આવી રહ્યો. એક કર્મચારીએ જણાવ્યું હતું કે એક એન્જિનિયરિંગ સ્નાતકને રૂ. 21,000 પ્રતિ મહિને પગાર આપવાનું કંપનીએ નક્કી કર્યો હતો, પણ અચાનક તેનો પગાર ઘટાડીને રૂ. 16,000 કરી દેવામાં આવ્યો હતો. એ પછી હાલ તેની સેલરી વધુ ઘટાડીને રૂ. 12,000 કરી નાખી હતી. આ જ રીતે નોન-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સની સેલરી પણ રૂ. 8000 સુધી ઘટાડી નાખી હતી. કેટલાક કર્મચારીઓએ આરોપ મૂક્યો હતો કે તેમના સેલરી એકાઉન્ટમાં રૂ. 500થી ઓછી સેલરી પ્રાપ્ત થઈ છે.

વિસ્ટ્રોન કોર્પોરેશન એપલ માટે આઇફોન 7, લેનોવો, માઇક્રોસોફ્ટ સહિત અન્ય માટે આઇટી ઉત્પાદન બનાવે છે. રાજ્ય સરકારે આશરે રૂ.29,000 કરોડના મૂડીરોકાણ કરવા અને 10,000થી વધુ લોકોને રોજગારી આપવાના પ્રસ્તાવ પર વિસ્ટ્રોનને રાજ્ય સરકારે નરસાપુર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં 42 એકર જમીન આપી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]